આંબલિયારામાં કળિયુગી પુત્રના હાથે પિતાની હત્યા

આંબલિયારામાં કળિયુગી પુત્રના હાથે પિતાની હત્યા
ભચાઉ, તા. 16 : તાલુકાના આંબલિયારા ગામની સીમમાં આવેલી વાડીમાં 60 વર્ષીય રતાભાઈ માવાભાઈ ગોઠીની તેમના પુત્રએ જ  તીક્ષ્ણ હથિયાર વડે હત્યા નીપજાવી હોવાનો બનાવ બહાર આવતા  વાગડ પંથકમાં અરેરાટી સાથે ભારે ચકચાર પ્રસરી છે.  હત્યાના બનાવના પગલે પોલીસ બેડામાં ભારે દોડધામ થઈ પડી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ હત્યારા પુત્ર પ્રકાશે  ગત રાત્રીથી સવારના અરસામાં કોઈ પણ સમયે હત્યાના આ બનાવને અંજામ આપ્યો હતો. માનસિક બીમાર એવા આરોપી પુત્રએ તેના પિતાની કોઈ તીક્ષ્ણ હથિયાર વડે માથા અને ગળાના ભાગે ઉપરા ઉપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ અંગે મળતી વિગતો મુજબ આરોપી પ્રકાશ માનસિક બીમાર હતો. જેથી પરિવારજનો તેને આંબલિયારા ખાતે આવેલી વાડીમાં  રાખ્યો હતો. વાડીમાં પિતાને મદદ પણ કરતો હતે.   ભચાઉ તાલુકાના ચોબારી ખાતે રહેતા હતભાગી આધેડ આરોપીને જમવાનું આપવા ગયા હતા અને રાત્રીના વાડી ખાતે  જ સુઈ ગયા હતા. આ દરમ્યાન રાત્રીના અરસામાં  કળિયુગી પુત્રએ તેના પિતાની ઘાતકી હત્યા નીપજાવી હતી. હતભાગી મૃતકની બે પુત્રીઓ સવારે વાડીએ આવતા હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. હત્યાના બનાવ બાદ માનસિક અસ્થિર પુત્ર ફરાર થઈ ગયો હતો. જેથી તેના ઉપર શંકાની સોય તકાઈ હતી. બનાવના પગલે ભચાઉ પોલીસે ઘટના સ્થળે પહોંચી  બનાવનો તાગ મેળવવા તપાસનો ધમધમાટ આદર્યો હતે.  હતભાગી મૃતકને બે પુત્ર અને ત્રણ પુત્રી છે.  આરોપી પુત્રની સગાઈ થઈ હતી. પરંતુ તેને લગ્ન કરવા ન હતા. હત્યાના બનાવ પાછળનું  ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.  આ અંગે ભચાઉ પી.આઈ શ્રી કરંગીયાનો સંપર્ક સાધતાં તેમણે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. સંભવત પરિવાર દ્વારા લગ્ન કરવા કરાતું દબાણનો મુદો કારણભુત હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. હત્યાના આ બનાવના પગલે  પાટીદાર સમાજમાં ભારે ચકચાર પ્રસરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાડાત્રણ દાયકા પુર્વે આધોઈમાં પાટીદાર સમાજમાં આ જ પ્રકારનો બનાવ બન્યો હતો.આ બનાવમાં પિતાએ પુત્રની હત્યા નીપજાવી હતી. આરોપીને રાઉન્ડઅપ કરાયો હોવાનું  જાણવા મળ્યું હતું. સવારના અરસામાં બહાર આવેલા આ બનાવ અંગે મોડી સાંજે ભચાઉ પોલીસ મથકે ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer