ભુજમાં તંત્રના ચોપડે જર્જરિત ઈમારત માત્ર ત્રણ જ !!

ભુજમાં તંત્રના ચોપડે જર્જરિત ઈમારત માત્ર ત્રણ જ !!
ભુજ, તા. 16 : ભૂકંપને 20 વર્ષ થવા છતાં હજુ સુધી જર્જરિત ઈમારતોને તોડવા ભાડા અને સુધરાઈ દ્વારા કોઈ નિર્ણય ન લેવાતાં તારવાયેલી 87 જેટલી ઈમારતમાંથી મોટા ભાગની સુરક્ષિતની વ્યાખ્યામાં આવી ગઈ અને હવે માત્ર ત્રણ જ ઈમારત જોખમી તરીકે યાદીમાં બતાવાઈ રહી છે. હજુ પણ સમય વ્યતીત થશે તો આ ત્રણ ઈમારત પણ મરંમત કામ સાથે સુરક્ષિત તરીકે સ્થાપિત થઈ જશે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ભૂકંપ બાદ અમુક બિલ્ડિંગ લાંબા સમય સુધી જર્જરિત અને જોખમી હાલતમાં ઊભી રહી. જાગૃત નાગરિકો દ્વારા અનેક રજૂઆતો બાદ આવી 87 જેટલી ઈમારતોની યાદી તૈયાર કરાઈ, પણ કોઈ જ કાર્યવાહી ન કરાતાં એ ઈમારતોમાં સમારકામ કરાવી તેને સુરક્ષિત તરીકેની યાદીમાં સમાવી લેવાઈ અને તાજેતરમાં ફરી આ મુદ્દો સપાટી પર આવતાં તંત્રના ચોપડે માત્ર ત્રણ જ બિલ્ડિંગ જેમાં એરપોર્ટ રોડ પર ક્રિષ્નાપાર્ક, રાજમંદિર પાછળ સ્મૃતિ બિલ્ડિંગ અને નીમઢોળ શેરી ખાતે રૂપારેલ  કોમ્પ્લેક્ષનો સમાવેશ થાય છે. આ અંગે સુધરાઈ અધ્યક્ષ ઘનશ્યામ આર. ઠક્કરે જણાવ્યું કે, નગરપાલિકા ઉપરોકત બિલ્ડિંગને ધ્વસ્ત કરવા સક્ષમ નથી. જો આ અંગે ભાડા કોઈ કાર્યવાહી કરે તો જોખમી બિલ્ડિંગ દૂર કરી શકાય જેમાં નગરપાલિકા સહયોગ આપશે તેમ ઉમેર્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer