ગાંધીધામ સંકુલમાં ટ્રાફિક નિયમન જાણે ભુલાયું

ગાંધીધામ સંકુલમાં ટ્રાફિક નિયમન જાણે ભુલાયું
ગાંધીધામ, તા. 16 : શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કાયમી બનેલી ટ્રાફિક સમસ્યાને લઈને નાગરિકોને ભારે  હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ટ્રાફિકને અડચણરૂપ દબાણ દૂર કરવા  તંત્રે ઉદાસીનતા દાખવતા મુશ્કેલીમાં વધારો થયો હતો. ભૂતકાળના સમયમાં આ હાલાકીને હળવી કરવા પોલીસતંત્ર દ્વારા  નિયમનને સંલગ્ન કામગીરી  કરાઈ હતી. અલબત્ત એના ઉપર  હાલ  પાણી ફરી વળ્યું છે. ગાંધીધામની મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં દબાણનો  રાફડો ફાટયો છે. કેટલાક સ્થળે થયેલા દબાણો વાહન વ્યવહારને અસર કરી રહયા છે. તેમ છતાં તંત્ર દ્વારા આ દિશામાં હિંમતભેર પગલાં લેવાતા નથી.આ સ્થિતિને લઈને આ પંચરંગી સંકુલમાં વહીવટીતંત્રનું અસ્તિત્વ જ ન રહયું હોવાની અનુભૂતિ નગરજનો કરી રહયા છે. થોડા સમય અગાઉ પોલીસતંત્ર દ્વારા મુખ્ય બજારમાં વાહન પાર્કિગ માટે પટ્ટા દોરી ટ્રાફિક નિયમનની દિશામાં પહેલ કરાઈ હતી. શરૂઆતના સમયે દોરેલા પટ્ટાથી બહાર જેમનુ પણ વાહન દેખાય તેના સામે  કાર્યવાહી કરવામાં આવતી હતી.અલબત્ત હાલના આ પટ્ટાઓ અદશ્ય થઈ રહયા છે. બિન્ધાસ્ત રીતે વાહન વ્યવહારને અસર થાય તે પ્રકારે વાહન ઉભુ રાખી જનારા વાહન ચાલક સામે નોંધપાત્ર રીતે કોઈ કાર્યવાહી કરાતી નથી. મુખ્ય બજારમાં નિયમિત સર્જાતી ટ્રાફિક સમસ્યાને લઈને વેપારીવર્ગ પણ ત્રસ્ત બન્યો છે. વેપારી મંડળ દ્વારા પણ દબાણ દૂર કરવા રજૂઆત સુદ્ધાં કરાઈ હતી.પોલીસતંત્ર દ્વારા અયોગ્ય રીતે પાર્ક કરેલા  દ્વિ-ચક્રીય વાહનોને  ટોંઈગ કરી   લઈ જવામાં આવતા હતા. આ કામગીરી બંધ થયાને ખાસ્સો સમય વિતવા આવ્યો. નોંધપાત્ર છે કે ભૂતકાળના સમયમાં સીટી ટ્રાફિક પોલીસ દ્વારા વાહન વ્યહારને અડચણરૂપ અતિક્રમણો દૂર કરવા સંબંધિતો સમક્ષ રજૂઆત કરાઈ હતી. જોડીયા શહેર આદિપુરમાં પણ આ જ પ્રકારની હાડમારી સ્થાનિકોને સહન કરવી પડે છે. મદનસિંહ સર્કલ તથા આજુ-બાજુના વિસ્તારમાં ટ્રાફિકની  સમસ્યા વકરી છે. વાહન ચાલકો માટે સદાય મુશ્કેલીજનક   પ્રશ્ન સમયાંતરે મળતા પોલીસ લોક દરબાર કાર્યક્રમમાં પણ ઉઠયો છે. પરંતુ ખાસ પરીણામ આવ્યું નથી. આ મુદો બેઠકોની મિનિટ્સ પુરતો સિમિત રહી  જાય છે. નોંધપાત્ર છે કે   હાલના સમયે બિન્ધાસ્ત રીતે લોકો વાહનો રસ્તાની વચ્ચે મુકીને જતા રહે  છે તેમ છતાં તેની સામે કાર્યવાહી થતી નથી. આ પ્રકારના દશ્યો જોઈ  સંકુલમાં કાયદો  અને નિયમન કોઈ અસ્તિત્વ  ન હોય તેવુ અનુભવાઈ રહયુ છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer