વાયોર નજીકના સિમેન્ટ એકમ સામે સ્થાનિકો ખફા

વાયોર નજીકના સિમેન્ટ એકમ સામે સ્થાનિકો ખફા
વિશ્વનાથ જોશી દ્વારા-  દયાપર, (તા.લખપત), તા. 16 : તાલુકાના ખારઇ ગામ પાસે આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના જોહુકમી વલણ સામે સ્થાનિક નાગરિકોમાં રોષ વ્યાપ્યો છે તો બીજી બાજુ તાલુકા પંચાયત દ્વારા પણ આ બાબતે ન્યાય આપવા જિલ્લા કલેકટરને પત્ર દ્વારા જણાવાયું છે. તાલુકામાં સિમેન્ટ ઉદ્યોગ આવ્યા ત્યારે સ્થાનિક લોકેને આશા હતી કે ધંધા-રોજગાર મળશે અને બે પાંદડે થઇ જશું. સુવિધાઓમાં વધારો થશે. આવી બધી ચર્ચાઓ લોકસુનાવણી વખતે સારી લાગે છે, પરંતુ પછી કોઇ ઉદ્યોગ આ બાબતે ધ્યાન નથી આપતું અને મનમાની ચાલુ થઇ જાય છે. નજીકના બે-ચાર ગામડાંઓના આગેવાનોના `િખસ્સા' ભરાઇ જાય પછી બધું `ઠીકઠાક' ચાલુ થઇ જાય છે. વધુમાં સ્થાનિક પોલીસનો સહારો આ કંપનીઓને મળે છે, તેથી ખેડૂતોને પણ ડર લાગે છે કે કયાંક અમારા પર ખોટા કેસ કરાવી કંપની હેરાન નહીં કરે ને ? અલ્ટ્રાટેક કંપનીએ હરૂડીથી ખારઇ સુધી નારાયણ સરોવર -માંડવી રોડની બન્ને બાજુ મોટા પાયે ઉત્ખનન ચાલુ  કરી દીધું છે. તેમાંય ખારઇ ગામથી એકાદ કિ.મી. દૂર હાઇવે રોડની પૂર્વ બાજુ તેમજ પશ્ચિમ બાજુ તો મોટા પાયે ઉત્ખનન પ્રક્રિયા ચાલુ છે, જેમાંથી લાઇમ સ્ટોનનો  પુષ્કળ જથ્થો પ્લાન્ટમાં લઇ જવાય છે અને મોટા ખાડાઓનું નિર્માણ આ કંપનીએ કરી આસપાસ યોગ્ય ફેન્સિંગ પણ ન કરાતાં પશુઓ ભોગ બની રહ્યા છે. ખાડામાંથી ખારું પાણી તોતિંગ એન્જિનો દ્વારા ઉલેચી નજીકના ખેતરોમાં સરકારી જમીનોમાં ઠલવાય છે. પરિણામે ખેડૂતો પણ રોષે ભરાયા છે. જો આ બાબતે પોલીસમાં ફરિયાદ કરવા જાય તો ધાકધમકી મળે છે. દૂષિત પાણીથી  લોકોના શરીરમાં ખંજવાળ તેમજ પશુઓ પી જાય તો મોતને ભેટી રહ્યાં છે. સ્થાનિક લોકો તો એટલે સુધી આક્ષેપ કરે છે કે આ પાણી તેમજ દૂષિત રજકણોથી આજુબાજુના વિસ્તારમાં 30  ટકા લોકો ક્ષયની બીમારીનો  ભોગ બન્યા છે. ખારઇ બાજુ 1994માં લીઝ અપાઇ, જેમાં ખેડૂતોના ખેતરો પણ કંપનીએ બગાડી નાખ્યા. ખરેખર ખેડૂતોના સંમતિપત્રક મેળવવા જોઇએ તે પ્રક્રિયા થઇ નથી. ખારઇ ગામની માપણી કરેલી જમીન હજુ કયાંય નકશામાં બતાવાઇ નથી પરંતુ આ ખાનગી કંપનીની જમીનમાં ત્વરિત માપણી કરી શીટમાં પણ બેસાડી દેવાઇ છે તેવી ફરિયાદ કરવામાં આવી હતી. કંપની લોકોને ઊંઠા ભણાવે છે તેવું નથી પણ પ્રદૂષણ બોર્ડને પણ  ઊંઠા ભણાવે છે. બે ચાર વૃક્ષો વાવીને ફોટોસેશનની કામગીરી છેક દિલ્હી સુધી પહોંચાડાય છે. હકીકતમાં આ કંપનીને રોડની બન્ને સાઇડ ગ્રીન બેલ્ટ ઊભો કરવાની સૂચના છે પરંતુ છેલ્લા 10 વર્ષથી છોડ બે ફૂટના  જ ઊંચાઇએ છે તો તે  પણ છૂટાછૂટા કયાંક કયાંક નજરે પડે. 10  વર્ષમાં તો કંપની ધારે તો રોડની બને સાઇડમાં હરિયાળી એવી થઇ જાય કે તેની ખાણ પણ ન દેખાય...? પરંતુ પર્યાવરણના નામે કંપનીની કામગીરી શૂન્ય બરાબર  છે. એનાથી ઊલટુ એકમે ખારઇ-ખરોડા વચ્ચે આવેલા ખેર, કંઢો, મીઠી જાર જેવા કિંમતી વૃક્ષોનો સોથ વાળી માઇન્સ એરિયા બનાવેલો છે. સી.એસ.આર.ના નામે અલ્ટ્રાટેક કંપની એક ફરતું દવાખાનું કયારેક કયારેક ચલાવે છે, જેમાં તબીબ કે સ્ટાફ નિષ્ણાત પણ હોતા નથી છતાં આરોગ્ય સુવિધાની ફોટોગ્ર્રાફી કરી પોતાનું કાર્ય દેખાડે છે તેવા આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યા હતા. ખારઇ ગામ પાસે આવેલું સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે. અહીં જીએમડીસી દ્વારા ડેમનું નિર્માણ કરાયું છે. વર્ષોથી આ પાણીનો જથ્થો ગામલોકોને તેમજ પશુઓને ઉપયોગી હતો, પરંતુ હાલમાં આ ડેમ-તળાવમાં પણ ખાડાઓમાંથી ઉલેચી ખારું પાણી છોડાતાં આ તળાવ-ડેમનાં પાણી પણ ખારા બનાવી નાખ્યા છે. ખરોડા-ખારઇ વર્ષોથી રસ્તો હતો જે આ કંપનીએ બંધ કરી નાખ્યો હોવાની પણ રાવ ઊઠી હતી. અલ્ટ્રાટેક કંપનીમાં લાઇમ સ્ટોનનો જથ્થો નજીકની ખાણોમાંથી ઉત્ખનન કરી લેવાય છે, જેમાં 100 ગાડીઓ ભરે તો 70-80 જ દર્શાવાય છે. ખરેખર અહીં ખાણ-ખનિજ ખાતાનો સ્ટાફ બેસવો જોઇએ અને મહિને તેની બદલી કરી નાખવી જોઇએ જેથી `મેળાપીપણા' ન થાય અને સાચો જથ્થો મળે, રોયલ્ટીની મોટી આવક થાય. કંપનીના જોહુકમી વલણ સામે અગાઉ અબડાસા વિસ્તારના ધારાસભ્ય દ્વારા ધરણા પ્રદર્શન કરાયા હતા. આ વખતે તાલુકા પંચાયત જાગી છે પણ શું થાય છે તે સમય બતાવશે. તાલુકા પંચાયતના પ્રમુખ જેનાબેન પઢિયારે જિલ્લા કલેક્ટરને પત્ર લખી સ્થાનિક લોકોને ન્યાય અપાય અન્યથા આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેવી ચીમકી પત્રમાં આપી હતી. ખેડૂતોને પોલીસનો ડર બતાવી કનડગત કરાય છે. ટ્રાન્સપોર્ટરોની મિલીભગતથી લાઇમ સ્ટોનનો જથ્થો 50 ટકા ઓછો બતાવાય છે. વજનકાંટાની પણ તપાસ કરાય, જમીનધારકોને નોકરીનું વચન પૂરું કરાય, ખેતરોમાં ગંદુ પાણી છોડવાનું બંધ કરાય, કામદારોનું શોષણ બંધ થાય, સ્થાનિક લોકોને થતી ટી.બી.ની બીમારી અર્થે દૂષિત રજકણ હવામાં ઊડે છે તેનું નિરાકરણ થાય, 500 એકર જમીનમાં ખેતી બગડે છે તેને ન્યાય મળે તેમજ સિદ્ધેશ્વર મહાદેવ તળાવમાં ગંદુ પાણી બંધ કરાય, રસ્તાઓ પુન: ચાલુ કરાય તેવી માંગ પત્રમાં કરી હતી. તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા કંપની પાસેથી પણ લેઆઉટ પ્લાન એરિયા, સી.એસ.આર. કામગીરી, રો-મટેરિયલ્સની રોયલ્ટી ફી ભરપાઇની વિગત, મજૂરોની પી.એફ. સ્લીપ, રાજ્ય બહારના કામદારોની વિગત, લેબર કોલોની માટેની જગ્યા  ક્યાંથી મંજૂર થયેલી છે તેની વિગતો મગાવાઇ છે, તે પછીની આગળની રણનીતિ નક્કી કરાશે. સ્થાનિક ઉદ્યોગો ખેડૂતોને રંજાડે છે, મનફાવે ત્યાં વાહનો ચલાવી ખેતરોમાં રસ્તા બનાવી નાખે છે છતાં કોઇ રજૂઆત કરવા જાય તો સાંભળનાર કોઇ નથી. ધારાસભ્યએ ધરણા-આંદોલન પૂરા કર્યા. એમાંથી કેટલા વચનો કંપનીએ પાળ્યા ? તેનો કોણ હિસાબ લેશે ? હવે તાલુકા પંચાયતના પદાધિકારીઓ મેદાને પડી રહ્યા છે ત્યારે `ઘીના ઠામમાં ઘી પડયું રહે...' તેવી સ્થિતિ ન સર્જાય અને સાચા અર્થમાં નાગરિકોને ન્યાય અપાવે તેવી લોકોને આશા છે. કારણ કે અહીં લોકો માટે જે પ્રશ્નો લઇ આગેવાની કરતા હોય તે બંધબારણે ચર્ચા બાદ સમાધાન કરી લેતા હોય છે અને આમઆદમીને સમજાવી પાછા ઘરે મોકલાવી દે. પ્રશ્નો એના એ જ ઊભા રહે છે. સિમેન્ટ કંપનીએ એક સ્થાનિક આગેવાનોનું ગ્રુપ બનાવ્યું છે જે કંપનીની ચમચાગીરી કે વકીલાત કરતા રહે છે. આ અહેવાલ આવ્યા પછી પણ આ ગેંગ સક્રિય થશે અને અહીં બધું બરોબર ચાલે છે તેવું ગાણું ગાશે... પ્રજા તો ચૂપ છે ને નહીં રહે તો ચૂપ કરાશે ! બધી આ ગેંગના હાથની વાત છે.  હવે તા. પંચાયતના પદાધિકારીઓ આ બાબતે બાંયો ચડાવી છે તો જોઇએ આગે હોતા હૈ ક્યા...? 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer