મસ્કા ધરણેશ્વર મહાદેવ મંદિરની ત્રિદશાબ્દિએ કોરોના વોરિયર્સનું સન્માન

મસ્કા ધરણેશ્વર મહાદેવ મંદિરની ત્રિદશાબ્દિએ કોરોના વોરિયર્સનું સન્માન
મસ્કા (તા. માંડવી), તા. 16 : મસ્કા પાસે ભુજ હાઈવે પર આજથી 80 વર્ષ પહેલાં એક નાનકડી દેરી હતી. ઈ.સ. 1992માં આ સંકુલનું નવનિર્માણ કરવામાં આવ્યું. દાતાઓ મહેશભાઈ જાની, નીતિનભાઈ ઘડિયાળી, શરદભાઈ પરમાર, મુકેશ ત્રિવેદી, મહેશભાઈ દવે વગેરેના સહયોગથી આ સંકુલનું વિસ્તરણ કરવામાં આવ્યું. વૃક્ષારોપણ કરી સમગ્ર સંકુલને હરિયાળું બનાવવામાં આવ્યું. ત્યારબાદ ઈ.સ. 2000-01માં જિર્ણોદ્ધાર થયો અને નવી સગવડો ઊભી કરવામાં આવી. ઈ.સ. 2007થી છેલ્લા 14 વર્ષથી માતૃભૂમિ સેવા ટ્રસ્ટ દ્વારા જલારામ અન્નક્ષેત્ર ચાલુ છે. જેમાં દરરોજ કેટલાય પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ, સાધુ-સંતો વગેરે લાભ લે છે. સમગ્ર સંકુલને ત્રણ દાયકા પૂર્ણ થયાની ઉજવણી કોરોનાકાળને કારણે સાદાઈથી રાખવામાં આવી હતી અને કોરોના યોદ્વાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મસ્કા એન્કરવાલા હોસ્પિટલમાં સેંકડો દર્દીઓને નવું જીવનદાન આપનાર અને આસપાસના વિસ્તારમાં ખૂબ લોકપ્રિય એવા સેવાભાવી ડોક્ટર મૃગેશ બારડનું સન્માન શરદ પરમાર અને આનંદ જાની દ્વારા સન્માન કરાયું હતું. જ્યારે દર્દીઓને રોજ ફ્રૂટ્સ-જ્યુસ વગેરે આનુષંગિક જરૂરિયાતો પૂરી કરનાર મસ્કા સરપંચ કીર્તિભાઈ ગોરનું નિરજ જાની અને જીવરાજ ગઢવીના હસ્તે સન્માન કરાયું હતું. સમગ્ર વિશ્વમાં અનેક દેશો સાઈકલથી ખૂંદનાર સાહસિક ફિરોઝ પાલખીવાલાનું સન્માન હિંમતભાઈ ભટ્ટે અને વૈભવ ચાવડાએ કર્યું હતું. આનંદ મહારાજ અને નારાણનાથજીએ આશીર્વચન આપ્યા હતા. કાર્યક્રમનું સંચાલન માતૃભૂમિ સેવા ટ્રસ્ટના સંયોજક મુકેશ ત્રિવેદીએ કર્યું હતું. ભાસ્કર મહેતાએ સૌને આવકાર્યા હતા, જ્યારે સંજય લિયાએ આભારવિધિ કરી હતી. સતારભાઈ, યુનુસ વાણ અને મિલન બારેટે આયોજન-વ્યવસ્થા સંભાળ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer