કેદીઓ શિક્ષણને લગતા વિવિધ કોર્સમાં જોડાઇને કારકિર્દી ઘડે

કેદીઓ શિક્ષણને લગતા વિવિધ કોર્સમાં જોડાઇને કારકિર્દી ઘડે
ભુજ, તા.16 : કાયદા વિરુદ્ધ કરેલી પ્રવૃત્તિ થકી જેલવાસ ભોગવી રહેલા ભાઇ-બહેનો પણ જેલમાં રહીને વિવિધ શિક્ષણને લગતા કોર્સમાં સામેલ થાય અને તેમાં મળેલી સફળતા સજા પૂરી થયા પછી જીવનમાં ઉપયોગી બની શકે એવા ઉમદા હેતુથી ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલગુરુ અમી ઉપાધ્યાયની પ્રેરણાથી ભુજ પ્રાદેશિક કેન્દ્ર દ્વારા પાલારા ખાસ જેલના કેદીઓ માટે ઓરીએન્ટેશન પ્રોગ્રામનું આયોજન જેલ અધીકક્ષ રાજેન્દ્રસિંહ રાવના અધ્યક્ષસ્થાને થયું હતું. આ અવસરે ભુજ પ્રાદેશિક કેન્દ્રના આસિસ્ટન્ટ ડાયરેકટર રીતુબેન ગોરે ઉપસ્થિત કેદીઓને જેલવાસમાં મળેલા સમયનો સદઉપયોગ કરીને અભ્યાસક્રમ માટે આંબેડકર યુનિ. તરફથી મળતી સુવિધાઓ વિશે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી જેલના કેદીઓ માટે નિ:શુલ્ક પ્રવેશ આપે છે અને આ માટે અભ્યાસક્રમના પુસ્તકો પણ જેલમાં જ પહોંચાડે છે અને પરીક્ષા પણ જેલમાં જ લેવાય છે. જેલ અધીક્ષક શ્રી રાવે પણ કેદીઓને સામેલ થવા માટે જેલ પ્રોત્સાહનબળ પૂરું પાડશે તેવી વાત કરી  હતી. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ડો. કશ્યપ બૂચે શિક્ષણથી વિવિધ ક્ષેત્રે સફળતા મળશે અને તેના મહત્ત્વ વિશે વાત કરી હતી. આંબેડકર યુનિ. દ્વારા ડિપ્લોમાં સર્ટિફિકેટ અને ગ્રેજ્યુએશન તથા માસ્ટર લેવલના અભ્યાસક્રમમાં કેદીઓ તેમની રસ-રુચિ પ્રમાણે કોઇપણ અભ્યાસક્રમની પસંદગી કરી શકે છે, વધુ કેદીઓ જોડાય તેવી અપીલ સાથે પ્રચાર-પ્રસાર પુસ્તકોનું વિતરણ કરાયું હતું. ભુજ પ્રાદેશિક કેન્દ્રના સંયોજક ડો. આર. વી. બસિયા સહયોગી બન્યા હતા. જેલ સ્ટાફના કર્મચારીઓ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી જેમાં અગ્રણી વસંત અજાણીનો સહકાર સાંપડયો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer