ભુજમાં પડછાયો ગાયબ થવાની ઘટના વિશે ખગોળીય જ્ઞાન સાથે માહિતી અપાઇ

ભુજમાં પડછાયો ગાયબ થવાની ઘટના વિશે ખગોળીય જ્ઞાન સાથે માહિતી અપાઇ
ભુજ, તા. 16 : કચ્છમિત્ર જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ભુજ અને ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ ઓફ આર.આર. લાલન કોલેજ ભુજના સંયુકત ઉપક્રમે સોમવાર 14 જૂનના ભુજ અને તેના આસપાસના વિસ્તાર માટે એક અદ્ભુત ખગોળીય ઘટના બની હતી જેમાં થોડાક સેકન્ડ માટે પડછાયો અદૃશ્ય થઇ ગયો હતો. આ દિવસે ભુજ માટે બપોરે 12.51 મિનિટે ઝીરો શેડો જોવા મળ્યો હતો. વર્ષમાં બે વખત સૂર્ય બરાબર માથા ઉપર આવે તે જગ્યાએ અમુક ક્ષણો માટે પડછાયો અદૃશ્ય થઇ જાય છે, જેને ઝીરો શેડો ડે તરીકે ઓળખવામાં આવે છે. કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેના ભાગમાં વર્ષમાં બે વખત અમુક સેકન્ડ માટે પડછાયો અદૃશ્ય થઇ જાય છે. જુદા-જુદા સ્થાન માટે આ  તારીખો અલગ-અલગ હોય છે. ભુજમાં 14 જૂનના પડછાયો અદૃશ્ય થતો દેખાયો હતો તેવી માહિતી અપાઇ હતી. કાર્યક્રમની શરૂઆતમાં લાલન કોલેજ ભુજના ફિઝિક્સના આસિસ્ટન્ટ પ્રોફેસર અમિતગિરિ એન. ગોસ્વામી અને પ્રાદેશિક જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર રાજકોટના નીલેશભાઇ રાણાએ આ ખગોળીય ઘટના અંગે  જાણકારી આપી હતી. લાલન કોલેજના આચાર્ય ડો. સી. એસ. ઝાલા, ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ હેડ ડો. અનિલભાઇ ગોર, મુકેશભાઇ એન. ઝાલા, મંજુલાબેન એસ. મહેશ્વરી તેમજ જુદા-જુદા વિભાગના પ્રોફેસરો હાજર રહ્યા હતા. ઘટનાની ઓનલાઇન માધ્યમથી વૈજ્ઞાનિક સમજૂતી આપવામાં આવી હતી, જેમાં જુદી-જુદી શાળાના વિદ્યાર્થીઓ અને લોકોએ લાભ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ કચ્છમિત્ર જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના પ્રવીણ મહેશ્વરીએ સંભાળ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer