મંત્રીએ જાહેર કરેલી શાળા બનતી નથી !

મંત્રીએ જાહેર કરેલી શાળા બનતી નથી !
નિરોણા (તા. લખપત), તા. 16 : ભુજ તાલુકાના વિકસીત ઝુરા ગામે પાંચ વર્ષ અગાઉ મંજુર કરવામાં આવેલી માધ્યમિક શાળા માટે જમીન દાનમાં મળી છે. ભૌતિક માળખું ઊભું કરવા  ગ્રાન્ટ માટે રાજ્ય સરકાર દ્વારા વહીવટી મંજુરી મળ્યા છતાં કોઇ કાર્યવાહી હાથ ન ધરાતાં     શાળા સાથે સંકળાયેલા ચારેક ગામોના લોકોમાં ભારે નારાજગી ફેલાઇ છે.પાવરપટ્ટીમાં પાંચેક હજારની વસતી ધરાવતું ઝુરા ગામમાં માધ્યમિક શિક્ષણની કોઇપણ સગવડ નથી. ગામની આસપાસનાં જતવાંઢ, ઝુરા-કેમ્પ, લોરિયા, હનુમાન નગરના બાળકો પશ્ચિમે 10 કી.મી. નિરોણા અથવા તો પૂર્વે 10 કી.મી. સુમરાસર-શેખ સુધી લંબાવવું પડતું હતું. ગત 2016માં આ ગામે કન્યા શાળાના સુવિધાસભર સંકુલ તૈયાર થયાં પછી તેના લોકાર્પણ માટે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા ત્યારે ગામજનોએ ગામમાં માધ્યમિક શાળા અંગે રજુઆત કરતા શિક્ષણ મંત્રીએ હાઇસ્કૂલની મંજુરીની મહોર મારી દીધી હતી. ગામમાં માધ્યમિક શાળાની મંજુરી મળતાં તે જ ઘડીએ શાળાનું માળખું ઊભું કરવા ગામના મુસ્લિમ દાતા હારૂન સાલેમામદે ગામને અડીને આવેલી બે એકર ખેતીની જમીન પણ દાનમાં આપી દીધી હતી. મંત્રીએ પણ ગામમાં વહેલી તકે હાઇસ્કૂલ શરૂ કરવાની હૈયાધારણા આપી હતી. ગામમાં માધ્યમિક શાળા મંજુરી મળતાંની સાથે કામચલાઉ ધોરણે પ્રા. શાળા જુના મકાનોમાં ધો. 9 અને 10ના વર્ગો પણ શરૂ કરાયા હતા. તાત્કાલિક ધોરણે બે શિક્ષકોની પણ ફાળવણી કરવામાં આવી હતી. શરૂના વર્ષમાં ચાર ગામના 100 જેટલા વિદ્યાર્થીઓ દાખલ થયા પછી દર વર્ષે સંખ્યામાં વધારો થઇ છેલ્લે બંને ધોરણોમાં 125 જેટલા બાળકો અભ્યાસ કરે છે. ગામની પ્રા. કુમાર શાળાના જુના બે ઓરડામાં ચાલતા વર્ગોમાં ભારે અગવડોને લઇ બાળકો અને શિક્ષકો ભારે પરેશાન છે. ગામ લોકોની તાતી રજુઆતને પગલે શાળાનું માળખું ઊભું કરવા રૂા. 3.5 કરોડની અંદાજિત ગ્રાન્ટ સામે 1.64 કરોડ જેટલી ગ્રાન્ટ માટે રાજ્ય સરકારે વહીવટી મંજુરી આપ્યાને પણ એક વર્ષનો સમયગાળો નીકળી ગયો છતાં આજ સુધી હાઇસ્કૂલ નિર્માણ માટે કોઇ જ કાર્યવાહી હાથ ન ધરાતાં આ ગામોના લોકોમાં ભારે નારાજગી લાગણી ફેલાઇ છે. ગામના સરપંચ પ્રાગજી જાડેજાએ આ બાબતે જણાવ્યું હતું કે શાળા સાથે અન્ય શાળાઓ પણ મંજુર થઇ હતી. જેની ગ્રાન્ટ સાથે ટેન્ડરો બહાર પાડી શાળા નિર્માણની કામગીરી ચાલુમાં છે. જ્યારે આ ગામની શાળા નિર્માણમાં સરકારની ઢીલી નિતી બાળકોના ભાવિ માટે પડકારરૂપ છે. તો ગામના તા. પંચાયતના નવનિયુક્ત સદસ્ય મામદ રહીમ જતે પણ આ બાબતે વહેલી તકે સરકારને પત્ર પાઠવી હાઇસ્કૂલ નિર્માણ માટે યોગ્ય થવાની માંગ કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer