આદિપુરમાં પગપાળા જતા યુવાન પાસેથી મોબાઇલની ચીલઝડપ

ગાંધીધામ, તા. 16 : આદિપુરના મૈત્રી બગીચા પાસે પગપાળા જતા એક યુવાન પાસેથી રૂા. 17,000નો મોબાઇલ છીનવી એક્ટિવાચાલક શખ્સ નાસી છૂટયો હતો.આદિપુરના વોર્ડ 3-એમાં રહેતા અને ગાંધીધામમાં કે.ટી.પી.એલ.માં નોકરી કરતા નરેન્દ્ર કેશવલાલ થારોટે આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ યુવાન ગત તા. 9/6ના સાંજના ભાગે મૈત્રી બગીચા પાસેના રોડ?ઉપર પગપાળા જઇ રહ્યો હતો અને મોબાઇલ ઉપર પોતાની પત્નીથી વાત કરી રહ્યો હતો ત્યારે પાછળથી નંબરપ્લેટ વગરની સફેદ રંગની એક્ટિવા ઉપર સવાર એક શખ્સ ત્યાં આવ્યો હતો. મોઢા ઉપર કાળા રંગનું માસ્ક પહેરેલ આ શખ્સે યુવાનના હાથમાંથી રૂા. 17,000નો મોબાઇલ છીનવી હાઇવે બાજુ નાસી ગયો હતો. ગત તા. 9/6ના બનેલા આ બનાવ અંગે પોલીસે આજે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ?ધરી છે. આ બગીચા પાસે અગાઉ પણ એક મહિલા પાસેથી મોબાઇલની ચીલઝડપનો બનાવ બન્યો હતો ત્યારે આવા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા લોકોએ માંગ કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer