તુણા બંદરથી નીકળેલો 7.56 લાખનો કોલસાનો જથ્થો સગેવગે

ગાંધીધામ, તા. 16: તુણા અદાણી બંદરથી રૂા. 7,56,483નો 78.020 મેટ્રિક ટન યુ.એસ. કોલસો ઉત્તર પ્રદેશ ન પહોંચાડતાં બે ટ્રક ચાલક સહિત ત્રણ શખ્સો વિરુધ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ગાંધીધામ નજીક કચ્છ આર્કેડમાં શુભમ કોર્પોરેશન નામની ટ્રેડીંગ કંપની ચલાવતા જિગ્નેશકુમાર નવીનચંદ્ર ગોસલીયાએ દિલબાનસિંઘ રૂદબા, નાનુરામ યાદવ તથા ગોદારા રોડવેઝના માલિક બદ્રી મોહનલાલ ગોદારા વિરુધ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી તુણા પોર્ટમાંથી કોલસો ખરીદી અને જુદી-જુદી જગ્યાએ તેનું વેંચાણ કરે છે. ઉત્તરપ્રદેશ સામલીના બાલાજી એન્ટરપ્રાઈઝના માલિક અંકિત મલીકે આ ફરિયાદીને બે ગાડી કોલસો મોકલવાનો ઓર્ડર આપ્યો હતો. જે માટે આ ફરિયાદીએ ગોદારા રોડવેઝના બદ્રી ગોદારાનો સંપર્ક કરી બે વાહનો ભાડે આપવા જણાવ્યું હતું. આ શખ્સે ટ્રક નંબર આર.જે. 14-જીઈ-8528 તથા આર.જે. 52-જીએ 5446 સાથે ચાલકો દિલબાન સિંઘ અને નાનુરામ યાદવને તુણા પોર્ટ ઉપર મોકલાવ્યા હતા. આ બંને ચાલકોના વાહનોમાં રૂા. 7,56,483નો 78.020 મેટ્રિક ટન યુ.એસ. કોલસો ભરી આપવામાં આવ્યો હતો. વાહનો અને માલના કાગળિયા તૈયાર થઈ જતાં આ બંને શખ્સો કોલસો લઈને ઉત્તરપ્રદેશ ખાલી કરવા નીકળ્યા હતા. તા. 2-6ના નીકળેલા આ શખ્સો ત્રણ દિવસ બાદ પણ ઉત્તરપ્રદેશ ન પહોંચતાં ફરિયાદીએ તપાસ કરી હતી. જેમાં આ વાહનચાલકોએ પોતાની ગાડી ફાઈનાન્સવાળાએ પકડી લીધી હોવાનું તેમજ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. બાદમાં ફરિયાદીએ રોડવેઝ કંપનીના સંચાલકનો સંપર્ક કરતાં તેણે પણ દાદ આપી ન હતી. અને અંતસુધી આ માલ ઉત્તરપ્રદેશ પહોંચ્યો ન હતો. આ ત્રણેય શખ્સો વિરુધ્ધ રૂા. 7,56,483 ના વિશ્વાસઘાત, ઠગાઈની કલમો તળે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer