મુંદરા પોર્ટ પર 65 કન્ટેનર અટકાવાયાં

મુંદરા, તા.16 :આયાતી વિદેશી લાકડાંની આડમાં ડ્રગ્સ ઘૂસાડવાની શંકાના આધારે 65 જેટલા કન્ટેનરોને અટકાવવામાં આવ્યા છે. જ્યારે અનલોડેડ મોબાઇલ અને તેના સ્પેર પાર્ટના નામે બ્રાન્ડેડ મોબાઇલ-ઘડિયાલ સહિતની વસ્તુ ઘૂસાડવાના પ્રયાસ સામે 8 જેટલા કન્ટેનરોને રૂક જાવનો આદેશ આપવામાં  આવ્યો છે. ડી.આર.આઇ. ગાંધીધામ અને મુંદરા કસ્ટમની એસ.આઇ. આઇ.બી. શાખાએ લાકડાંના જે 65 કન્ટેનરો અટકાવવામાં આવ્યા છે તે પૈકી 30 કન્ટેનરોને ખોલવામાં આવ્યા છે. જ્યારે બાકીના કન્ટેનરોને ખોલીને ચેક કરવાની પ્રક્રિયા જવાબદાર તંત્ર તરફથી શરૂ કરવામાં આવી છે.સૂત્રોએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વિદેશી લાકડાંના કન્ટેનરો ગાના, પનામા અને અન્ય આફ્રિકાના દેશોમાંથી  આવ્યા છે. ડોક્યુમેન્ટમાં પોર્ટ ટુ ડાયરેક્ટ ડિલિવરી (ડીપીટી)થી કન્ટેનરોને મંગાવવામાં આવ્યા હતા, પરંતુ મુંદરા કસ્ટમ અને ગાંધીધામ ડી.આર.આઇ.ને કેફી દ્રવ્યોની પણ લાકડાં સાથે સપ્લાય કરવાની શંકા જતાં 65 કન્ટેનરોને જુદા જુદા સીએફએસમાં લઇ જઇ ખોલવામાં આવ્યા છે. જો કે, હજુ સુધી વાંધાજનક વસ્તુ હાથ લાગી નથી. આ કન્ટેનરો મુંદરામાં છેલ્લા 2 દિવસ દરમ્યાન આવ્યા છે. જુદી જુદી 14 જેટલી પાર્ટીઓએ આ લાકડું વિદેશથી મગાવ્યું છે. મુંદરા મધ્યે દર મહિને લગભગ 500થી 700 કન્ટેનર લાકડું ભરીને આવે છે. જ્યારે અન્ય એક ઘટનાક્રમમાં અંદાજે રૂા. 8 કરોડની ડયૂટી ચોરીનો મામલો સપાટી ઉપર આવ્યો છે. આ કિસ્સો મિસ ડિકલેરેશનનો છે. જેમાં કન્ટેનરમાં અનબ્રાન્ડેડ ચીજવસ્તુ જાહેર કરવામાં આવી હતી. પરંતુ કન્ટેનરને ખોલતાં તેમાં મોંઘી કિંમતના બ્રાન્ડેડ મોબાઇલ, તેના સ્પેર પાર્ટ અને ઘડિયાલ સહિતનો  મુદ્દામાલ સાથે આવતાં મુંદરા કસ્ટમની એસઆઇઆઇસી શાખા ચોંકી ઊઠી છે. અટકાવવામાં આવેલા આ 8 કન્ટેનરોને પણ અલગ અલગ સીએફએસમાં લઇ જઇ ખોલવામાં આવ્યા છે. બજારમાં બ્રાન્ડેડ મોબાઇલની ભારે માંગ છે, તેમ મોંઘા ભાવના મોબાઇલ ઉપર કાયદેસરની ડયૂટી પણ વધુ છે. પરિણામે આયાતકાર પાર્ટીને મોબાઇલની પડતર કિંમત વધુ આવે છે. જ્યારે ડયૂટી ચોરી કરીને મંગાવેલા મોબાઇલ બંદર ઉપર ઊતર્યા બાદ ગણતરીના દિવસોમાં મોટા શહેરોના મોબાઇલ વિક્રેતાઓ પાસે પહોંચી જાય છે. મુંદરા બંદર ઉપરની એ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત દરિયાઇ વેપાર અને આયાત-નિકાસકારોમાં પડયા છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer