7 કોરોના સંક્રમિત વધ્યા; 30 સાજા થયા

ભુજ, તા. 16 : એક તરફ રાજ્યમાં કોરોનાના કેસ ઘટીને 300થી નીચે પહોંચી ગયા છે. બીજી તરફ કચ્છમાં પણ નવા સંક્રમિતોનો આંક 10થી નીચે એકલ આંકમાં અટકેલો રહ્યો છે.જિલ્લામાં નવા સાત કેસ નોંધાયા તેની સામે 30 દર્દીઓ કોરોનાને મહાત આપી સાજા થયા હતા.જિલ્લાના ચાર તાલુકામાં કોરોનાના નવા કેસો નોંધાયા, તેની સામે ભુજ સહિત છ તાલુકા કોરોના કેસવિહોણા રહ્યા હતા.લાંબા સમય બાદ ભુજ શહેર અને તાલુકામાં એક પણ કેસ ન નોંધાતાં રાહત મળી હતી. સંભવત: પાંચેક માસ બાદ ભુજમાં શૂન્ય કેસ નોંધાયા હોય તેવું પ્રથમવાર બનવા પામ્યું છે.અંજારમાં 2, મુંદરામાં 2, રાપરમાં 2 અને માંડવીમાં નવા 1 મળી શહેરી વિસ્તારમાં 2 અને ગ્રામ્ય વિસ્તારમાં 5 કેસ નોંધાયા હતા. માંડવીમાં સૌથી વધુ આઠ તો ભુજમાં 4, અબડાસા, અંજાર, ભચાઉ, નખત્રાણામાં 3-3 તો ગાંધીધામ, લખપતમાં 2-2 દર્દીઓ સાજા થયા હતા.જિલ્લામાં કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 12,528 તો સાજા થયેલા દર્દીઓની સંખ્યા 12,165 પર પહોંચી છે. મૃતાંક 282ના આંક પર સ્થિર રહેવા સાથે સક્રિય કેસ ઘટીને 251 થતાં રિકવરી રેટ વધીને 97.10 ટકાએ પહોંચ્યો છે. વિતેલા પખવાડિયામાં 221 નવા કેસ નોંધાયા તેની સામે 2400થી વધુ દર્દીઓ સાજા થયા છે.રસીકરણ કામગીરીની વાત કરીએ તો 18થી 44 વર્ષમાં 4418 અને 45 વર્ષથી વધુમાં 909 લોકોને રસી આપવામાં આવી, તેની સામે રસી લેનારા લોકોની કુલ સંખ્યા 3.61 લાખ પર પહોંચી છે. સંક્રમણના ઘટતા પ્રભાવથી લોકોની સાથે તંત્ર દ્વારા રાહતનો દમ લેવાઇ રહ્યો છે. હોસ્પિટલમાં બેડની વિગતો આપવાનું એકાએક બંધ કરાયું દરમ્યાન જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ માટે કેટલા બેડ ઉપલબ્ધ છે તેની વિગતો આપવાનું એકાએક બંધ કરાયું હતું. જાણકારોનું માનીએ તો હોસ્પિટલના બિછાને રહેલા દર્દીઓ અને સક્રિય કેસના આંકમાં વિસંગતતાના લીધે આવું બન્યું હોઇ શકે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer