સંગઠન નવરચનાને લઇ ગાંધીધામ ભાજપમાં ધૂંધવાટ : ગાંધીનગરમાં ધા

ગાંધીધામ, તા. 16 : નગરપાલિકાની ચૂંટણીમાં શહેર ભાજપ સંગઠનના તત્કાલીન પ્રમુખ, મહામંત્રીએ ઝુકાવતાં ખાલી પડેલા આ પદો ઉપર ગઇકાલે થયેલી નિયુક્તિએ શહેર ભાજપમાં ચાલી રહેલા અસંતોષને હવા આપી છે. ગઇકાલે સાંજે ભાજપ કાર્યાલયમાં યોજાયેલા પદગ્રહણ સમારંભમાં કેટલાક નેતાઓ, કાર્યકરો દેખાયા નહોતા. મળતી માહિતી મુજબ જિલ્લામાં રજૂઆત પછી હવે મામલો ગાંધીનગર ખસેડાયો છે.શહેર ભાજપના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે નગરપાલિકા ચૂંટણી વેળા જેમને ટિકિટ ન મળી કે જેમણે તનતોડ મહેનત કરી તેવા અગ્રણી કાર્યકરોને સંગઠનમાં સમાવવા ખાતરી અપાઇ હતી. હવે જ્યારે સંગઠનની પુનર્રચના થઇ છે ત્યારે તાલુકા સંગઠનમાં હોદ્દો ધરાવનારાઓને શહેર સંગઠનમાં આયાત કરાતાં મામલો ગરમાયો છે.ચૂંટણી કે પક્ષના અન્ય કોઇ કાર્યક્રમોમાં ક્યારેય ન દેખાયા હોય તેવા લોકોને હોદ્દા આપી દેવાથી સંગઠનના સંનિષ્ઠ કાર્યકરોને સ્વાભાવિક અન્યાયની લાગણી જન્મે છે. આમ પણ જૂથવાદથી પીડાતા સંગઠનમાં જિલ્લા કે પ્રદેશની નેતાગીરી સ્થિતિ થાળે પાડવાના બદલે વધુ વકરે તેવાં પગલાં ભરતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.અગ્રણી કાર્યકરોએ તો આક્ષેપ કરતાં કહ્યું હતું કે, જૂથવાદને ભડકાવી બે બિલાડીની વચ્ચે કોઇ ત્રીજા જ લાભ લઇ રહ્યા છે.સંગઠનની નિમણૂકો પણ નાણાંના જોરે થઇ રહી છે. દરમ્યાન આ પ્રશ્ને પાંચથી છ જણનું એક પ્રતિનિધિ મંડળ આજે ગાંધીનગર ધસી ગયું છે. સંગઠનની નારાજગીનો ત્યાં પડઘો પડાશે. અલબત્ત, પક્ષના કાર્યકરોને ખાસ કોઇ સાંભળતું નહીં હોવાનો વસવસો પણ તેમણે વ્યક્ત કર્યો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer