કચ્છની 31 શાળાઓએ ધો. 10ના છાત્રોના આંતરિક ગુણ બોર્ડને ન મોકલતાં નોટિસ

ભુજ, તા. 16 : કોરોના મહામારીના કારણે રાજ્ય સરકારે ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યા બાદ પરિણામ તૈયાર કરવા જે-તે શાળાઓ પાસેથી વિદ્યાર્થીઓના અગાઉ લેવાયેલી પરીક્ષાઓના આંતરિક ગુણ બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવા સૂચના આપી હતી, પરંતુ આવતીકાલે 17મી જૂને છેલ્લો દિવસ હોવા છતાં હજુ સુધી જિલ્લાની 31 શાળાઓએ આ કાર્યવાહીમાં નિરસતા દાખવતાં શિક્ષણ તંત્રે તાકીદ કરી કામમાં ઝડપ લાવવા સૂચના આપી છે. શિક્ષણ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ 13મી મેના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ ધો. 10ની પરીક્ષા રદ કરવાનો અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી ધો. 11માં બઢતી આપવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ આ છાત્રોનાં પરિણામ કેવી રીતે બનાવવાં તે બાબતે ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા તેની ગત ત્રીજી જૂને માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી અને 17મી જૂન સુધી વિદ્યાર્થીઓની અગાઉ લેવાયેલી ધો. 9ની સામયિક કસોટી અને ધોરણ 10ની એકમ કસોટીના આધારે ગુણો નક્કી કરી બોર્ડની વેબસાઇટ પર મોકલવા જે-તે શાળાઓને સૂચના આપવા જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ કર્યો હતો, પરંતુ આવતીકાલે તા. 17મીએ અંતિમ દિવસ હોવા છતાં કચ્છની ત્રણેક ડઝન શાળાએ આ કામગીરી પૂર્ણ ન કરતાં તેમને નોટિસો પાઠવવામાં આવી છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાનભાઇ પ્રજાપતિનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, કચ્છમાં સરકારી, ખાનગી અને અનુદાનિત સહિત કુલ 475 શાળા છે, જેમાં ચાલુ વર્ષે અંદાજે 32 હજારથી વધુ વિદ્યાર્થીને માસ પ્રમોશન અપાશે.ઉપરોક્ત 475 શાળામાંથી 31 શાળાએ આંતરિક ગુણની ગણતરી કરવાની બાકી હોવાથી બોર્ડની વેબસાઇટ પર માહિતી અપલોડ કરી નથી. જો કે, આજે બુધવારે બપોર સુધી 37 પૈકી 14 શાળાએ કામગીરી પૂર્ણ કરી છે. બાકીની સાંજ સુધી પૂર્ણ કરી લેશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer