ચેમ્પિયન પોર્ટુગલનો વિજયી પ્રારંભ: હંગેરી સામે 3-0થી જીત

બુડાપોસ્ટ, તા. 16 : યુરો કપની વર્તમાન વિજેતા ટીમ પોર્ટુગલે વિજય સાથે તેના અભિયાનની શરૂઆત કરી છે. ગઇકાલની મેચમાં સ્ટાર રોનાલ્ડોના બે ગોલની મદદથી પોર્ટુગલનો હંગેરી વિરુદ્ધ 3-0થી જોરદાર વિજય થયો હતો. રોનાલ્ડોએ 87મી મિનિટે અને પછી ઇન્જરી ટાઈમમાં ગોલ કર્યા હતા. પોર્ટુગલ તરફથી પહેલો ગોલ રફેલ ગુરેઇરોએ મેચની ત્રીજી મિનિટે કર્યો હતો. આ મેચ દર્શકોની પૂરી સંખ્યામાં ભરચક સ્ટેડિયમમાં રમાઈ હતી. સ્ટેડિયમમાં 67,21પ દર્શકો હાજર હતા. જેમાંના મોટા ભાગના દર્શકો યજમાન ટીમ હંગેરીના સમર્થકો હતા. આ સાથે રોનાલ્ડો પાંચ યુરો ટૂર્નામેન્ટ રમનારો પહેલો ખેલાડી બની ગયો હતો. આ ઉપરાંત યુરો કપમાં સૌથી વધુ ગોલનો રોનાલ્ડોએ ફ્રાંસના માઇકલ પ્લાતિનીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રોનાલ્ડોના નામે હવે 22 મેચમાં 11 ગોલ  થયા છે. યુરો કપની અન્ય એક મેચમાં ગ્રુપ એફમાં બે બળિયાની ટક્કર થઇ હતી. જેમાં જર્મની સામે ફ્રાંસનો 1-0થી વિજય થયો હતો. મેચનો એકમાત્ર ગોલ જર્મન ખેલાડી મેટ હમેલ્સે (આત્મઘાતી) કર્યો હતો. તેના સેલ્ફ ગોલને લીધે જર્મનીને હાર સહન કરવી પડી હતી. જ્યારે ફ્રાંસને જીત નસીબ થઇ હતી. યુરો કપમાં જર્મનની ઓપનિંગ મેચમાં આ પહેલી હાર છે. જ્યારે સ્પેન અને સ્વિડન વચ્ચેની મેચ 0-0 ગોલથી ડ્રો રહી હતી. બન્ને ટીમે ગોલ કરવાના અનેક મોકા ગુમાવ્યા હતા. ગઇકાલની અન્ય એક મેચમાં સ્લોવાકિયાનો પોલેન્ડ સામે 2-1થી વિજય નોંધાયો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer