અંજાર : વરસામેડીની સોસાયટીઓમાંથી બે બોગસ ડોક્ટરને પકડી પાડતી પોલીસ

ગાંધીધામ, તા.16 :અંજાર તાલુકાનાવરસામેડી સીમમાં આવેલી શાંતિધામ-3 સોસાયટી તથામાધવનગર વિસ્તારમાંથી પૂર્વ કચ્છ એસ.ઓ.જી.એ બે બોગસ ડોક્ટરોને  પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી મેડિકલને લગતા રૂા. 35,524નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ને મળેલી પૂર્વ બાતમીના આધારે એક ટીમ વરસામેડીની શાંતિધામ-3 સોસાયટીમાં પહોંચી હતી. આ સોસાયટીના મકાન નંબર 22 પાસે જમણી બાજુ શટરવાળી એક દુકાનમાં ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવાતું હતું. આ દુકાનમાં બેઠેલા ભાબરંજન ભગીરતી શાહુને ડોક્ટર ક્યાં છે તેવું પૂછાતાં પોતે જ ડોક્ટર હોવાની કેફિયત તેણે પોલીસ સમક્ષ આપી હતી.પોલીસની ટીમ સાથે રહેલા ભીમાસર પીએચસી સેન્ટરના ડો. વિદિશા પારગીએ મેડિકલ કાઉન્સિલના રજિસ્ટ્રેશન અંગેના પ્રમાણપત્ર બાબતે પૂછતાં તેની પાસે આવું કાંઇ ન હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સ જે દુકાનમાં ક્લિનિક ચલાવતો હતો તેમાંથી સિગ્મોમેનોમીટર, નેબ્યુલાઇઝર મશીન, સ્ટેથોસ્કોપ, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, જુદા-જુદા ઇન્જેકશન, જુદી જુદી દવાઓ મળીને કુલ રૂા. 22,169નો મુદ્દામાલ હસ્તગત કરી આ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.બીજી એક સફળ કાર્યવાહી શાંતિધામથી આગળ માધવનગરમાં કરવામાં આવી હતી. આ વિસ્તારના મકાન નંબર-166 પાસે પહોંચી પોલીસ પાછળના ભાગે ગઇ હતી. જ્યાં મકાનની પાછળના ભાગે દરવાજા ઉપર  મોટું સ્ટીકર ચોંટાડેલું હતું, જેમાં શ્રીમાળી કલ્પેશકુમાર સુરેશભાઇ નામ તથા હિન્દીમાં દવાખાના અને સમય વગેરે લખેલું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આ દવાખાનામાં બેઠેલા શખ્સને ડોક્ટર ક્યાં છે તેવું પૂછાતાં પોતે જ ડોક્ટર હોવાનું કહ્યું હતું. ગાંધીધામના સેક્ટર-7માં રહેતા આ કલ્પેશ સુરેશ શ્રીમાળી પાસેથી મેડિકલ કાઉન્સિલનું પ્રમાણપત્ર મગાતાં તે આપી શક્યો ન હતો અને તે ડોક્ટર તરીકે આ મેડિકલ પ્રેકિટસ કરી શકે નહીં તેવો અભિપ્રાય ડો. વિદિશા પારગીએ આપ્યો હતો. પોલીસે આ શખ્સની અટક કરી તેની આ દુકાનમાંથી સ્ટેથોસ્કોપ, બી.પી. માપવાનું મશીન, થર્મોમીટર, ઓક્સિમીટર, ફોરસેપ કિટ, જુદા જુદા ઇન્જેકશન, જુદી જુદી દવાઓ વગેરે મળીને કુલ રૂા. 13,355નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. ગાંધીધામ શહેર અને તેની આસપાસની આવી અમુક સોસાયટીઓમાં હજુ પણ આવા અમુક તત્ત્વો ગેરકાયદેસર ડોક્ટરની પ્રેકિટસ કરતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer