ભુજ સુધરાઇ દ્વારા ટેન્કર વાટે થતાં પાણી વિતરણમાં ભેદભાવનો આક્ષેપ

ભુજ, તા. 16 : શહેરના ચોક્કસ વિસ્તારોમાં ભુજ નગરપાલિકાના અધિકારીઓ તથા સત્તાધીશો દ્વારા પીવાના પાણીના મુદ્દે ભેદભાવભર્યું વલણ અપનાવી કોંગ્રેસના આગેવાનોની રજૂઆત તરફ ધ્યાન નથી અપાતું તેવો આક્ષેપ કરી આ બાબતે  તા. 17/6ના મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરાશે. આ અંગે પક્ષની યાદીમાં જણાવાયા મુજબ કોંગ્રેસ પક્ષના અવાજને સતત દબાવવામાં આવી રહ્યો છે. ટેન્કર માફિયાઓ પાણીનો વેપલો કરી રહ્યા છે. જેમાં ભાજપના સત્તાધીશોની મિલીભગત છે, જેના વિરોધમાં પૂર્વ વિ. નેતા રાજેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં જિલ્લા કોંગ્રેસના આગેવાનો, નગરસેવકો સવારે 11 કલાકે સુધરાઇના મુખ્ય અધિકારીને  મળી રજૂઆત કરશે. આ બાબતે કલેક્ટરને પણ હસ્તક્ષેપ કરવા  રજૂઆત કરાશે. જો આ પ્રશ્ન નહીં ઉકેલાય તો પક્ષ આ લડતને ઉગ્ર બનાવશે તેવું જિલ્લા કોંગ્રેસ પ્રવકતા ગનીભાઇ કુંભાર, ફકીરમામદ કુંભાર, કાસમ સમા, આઇશુબેન સમા, હમીદ સમા, મહેબૂબ પખેરિયા દ્વારા યાદીમાં જણાવાયું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer