ચાર ટાંકા બન્યે ભુજમાં બે-ત્રણ દિવસે પાણી વિતરણ

ભુજ, તા. 16 : આગામી આઠેક માસમાં શહેરમાં સુધરાઈ દ્વારા નવા ચાર ટાંકાનું નિર્માણ થયે પાણી સંગ્રહની ક્ષમતા વધવા સાથે વિતરણ પણ એકાંતરે-બે દિવસે થશે, જેથી લોકોને મોટી રાહત પહોંચશે. વળી, નર્મદા લાઈનમાં ક્ષતિ કે, અન્ય પ્રશ્નને પગલે કદાચ પાણી નહીં પહોંચે તો પણ ભુજમાં વિતરણને મુશ્કેલી ઓછી પડશે. નર્મદા લાઈનમાં ક્ષતિ સર્જાય કે, શટડાઉન જેવી અન્ય સમસ્યા ઉદ્ભવે ત્યારે ભુજ સુધરાઈ પાસે પાણી સંગ્રહની અપૂરતી વ્યવસ્થાને પગલે ભુજમાં વિતરણ વ્યવસ્થા પડી ભાંગે છે. જેના વિકલ્પરૂપ સુધરાઈ પ્રમુખ ઘનશ્યામ આર. ઠકકર, કારોબારી ચેરમેન જગત વ્યાસ સહિતના હોદ્દેદારો નવા ચાર ટાંકા બનાવવાના આયોજનને આગળ ધપાવી રહ્યા છે. આગામી આઠેક માસમાં નવા ટાંકા તૈયાર થઈ જતાં પાણી સંગ્રહની ક્ષમતા વધી જશે જે ભુજવાસીઓને મોટી રાહત પહોંચાડશે. નવા ટાંકા બન્યા બાદ કેટલી રાહત પહોંચશે તે અંગે  કારોબારી ચેરમેન જગત વ્યાસ તથા એન્જિનીયર ભાવિક ઠકકરનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, હાલમાં નાના-મોટા અલગ-અલગ ટાંકા મળી અંદાજિત કુલ્લ 270 લાખ લિટર પાણી સંગ્રહી શકાય છે. જ્યારે પ0 લાખ લિ.નો શિવકૃપા ટાંકો, પ0 લાખ લિ.નો હિલગાર્ડન પાસે, 40 લાખ લિ.નો સુરલભિટ્ટ, 20 લાખ લિ.નો ભુજોડી રેલવે ક્રોસિંગ નજીક ટાંકો તૈયાર થઈ જતાં ભુજ સુધરાઈની પાણી સંગ્રહ ક્ષમતા 430 લાખ લિ. થઈ જશે. જેને પગલે સમગ્ર ભુજમાં એકાંતરે-બે દિવસે પાણી વિતરણ થઈ શકશે. વળી, નર્મદા લાઈનમાં કોઈ પ્રશ્ન સર્જાશે ત્યારે સંગ્રહ કરાયેલા પાણીથી થોડી રાહત પહોંચશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer