ગાંધીધામ પાલિકા વિસ્તારમાં કોરોનાથી મૃત્યુ પામેલાઓને સહાયની માગણી

ગાંધીધામ, તા. 16 : અહીંની નગરપાલિકાના હદ વિસ્તારમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આર્થિક સહાય આપવા માંગ કરાઇ હતી.મહામારી કોવિડ-19 અંતર્ગત ગાંધીધામ-આદિપુર નગરપાલિકા વિસ્તારમાં અનેક લોકોના જીવ ગયા છે. અહીંની પાલિકાના સત્તાવાર આંકડા મુજબ તા. 1/3/2021થી 26/5/2021 દરમ્યાન 929 લોકોના મોત થયાં છે, જેની નોંધ પાલિકામાં થઇ છે તેમજ 100થી 150 કોવિડના દર્દીઓને આ શહેર-જિલ્લાની બહાર સારવાર અર્થે લઇ જવાયા બાદ તેમના મોત થયા છે. અહીંની નગરપાલિકાના કોંગ્રેસના નગરસેવક અમિત ચાવડાએ સરકારને આ અંગે રજૂઆત કરી હતી. જેમાં કોવિડ-19માં મૃત્યુ પામેલા આર્થિક નબળા લોકોના પરિવારજનોને ચારથી પાંચ લાખની આર્થિક સહાય આપવા માંગ કરવામાં આવી હતી.સરકાર અને તંત્ર દ્વારા મૃત્યુના આંકડા છુપાવાયા છે અને સાચી માહિતી જાહેર કરવામાં આવી નથી જે અતિગંભીર બાબત છે. માત્ર ગાંધીધામ નગરપાલિકા હદ વિસ્તારમાં જ 1000થી 1100 લોકોના મૃત્યુ થયા?છે જે પૈકી બેથી ત્રણ ટકા જ કુદરતી રીતે મૃત્યુ પામ્યા છે તેવો આક્ષેપ આ નગરસેવક દ્વારા કરાયો હતો. કોરોના મહામારી કાળમાં ઓક્સિજન, વેન્ટિલેટર, દવાઓના અભાવના કારણે લોકોના મોત થયા છે. સરકાર આંકડા છુપાવીને લોકોને છેતરી રહી હોવાનો આક્ષેપ પણ?કરાયો હતો. કોવિડ-19માં મૃત્યુ પામેલા નગરપાલિકાના કર્મચારીઓ તથા અન્ય આર્થિક નબળા લોકોને આર્થિક સહાય આપવા માંગ કરવામાં આવી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer