પ્રેસ કે પોલીસ લખેલા વાહનો વધતાં જતાં હોવાથી તેની ખરાઇ આવશ્યક

ગાંધીધામ, તા. 16 : જિલ્લાના આર્થિક પાટનગર એવા આ સંકુલમાં છેલ્લા લાંબા સમયથી ખાનગી વાહનો પૈકી પ્રેસ અથવા પોલીસ લખેલા વાહનોમાં  વધારો થયો છે. આવા તત્ત્વો થકી છેતરપિંડીના બનાવો વધ્યા છે. જેથી સામાન્ય લોકોમાં ભયનો માહોલ છે. આવા તત્ત્વો વિરુદ્ધ પોલીસ, પ્રશાસન કડક કાર્યવાહી કરે તેવી માંગ ઊઠી છે.સરહદી એવા સમગ્ર જિલ્લામાં  ચાર ચક્રીય તેમજ દ્વિચક્રીય વાહનો ઉપર પ્રેસ અથવા તો પોલીસ લખેલું હોય તેવાં વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. આવા લેભાગુ તત્ત્વો ક્યાં પ્રેસ અથવા મીડિયા સાથે સંકળાયેલા છે તેની તપાસ કરવી ખાસ જરૂરી છે. પૂર્વ કચ્છમાં તેમાંય ખાસ કરીને ગાંધીધામ, આદિપુર, અંજારમાં ખાનગી વાહનો ઉપર પ્રેસ અથવા પોલીસ લખાવવું તે ફેશન બની ગઇ છે.સાથો સાથ ગાડી ઉપર નંબર પ્લેટ ન લગાવવી અને કાળા કાચ રાખવા જાણે સ્ટેટસ સિમ્બોલ (વૈભવનું પ્રતીક) બની ગયું છે. અમુક લેભાગુ તત્ત્વો  આવા ઓઠા હેઠળ નિર્દોષ નાગરિકોની પજવણી કરી અથવા બ્લેકમેઇલ કરી પોતાના રોટલા શેકતા હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે.આ અંગે પોલીસતંત્રે ખાસ ઝુંબેશ હાથ ધરી પ્રેસ લખેલા વાહનચાલકોની  તપાસ કરવી જોઇએ. તેમની પાસે પત્રકારત્વની ડિગ્રી છે કે નહીં તેમનું ઓળખપત્ર તથા તે ક્યા મીડિયા કે પ્રેસ સાથે સંકળાયેલા છે તે તપાસ કરી અને લેભાગુ તત્ત્વ જણાય તો તેના વિરુદ્ધ કડક પગલાં ભરવા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી ગોવિંદ દનિચાએ  ગૃહ વિભાગને લેખિતમાં રજૂઆત કરી હતી. તેમજ મોડી રાત સુધી પોલીસ લખેલી અને કાળા કાચવાળી ગાડીઓના ચાલકોની તપાસ કરી પોલીસ વિભાગને લાંછન લાગે તેવી પ્રવૃત્તિ કરતા તત્ત્વો વિરુદ્ધ પણ?કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. પ્રામાણિક પત્રકારોને બદનામ કરતા આવા લેભાગુ તત્ત્વો વિરુદ્ધ કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવા પણ માંગ કરાઇ હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer