ગાંધીધામમાં ટ્રેન હેઠળ આવતાં યુવાનનું મોત

ગાંધીધામ, તા. 16: શહેરના ભારત નગર નજીક રેલ્વે ફાટક પાસે કોઈ ટ્રેન નીચે આવી જતાં ઉત્તરપ્રદેશના રમાકાન્ત ઘનશ્યામ (ઉ.વ.25) નામના યુવાનનું મોત થયું હતું. શહેરનાં રાજવી ફાટકથી આગળ આવેલા ફાટક પાસે ગઈકાલે સવારે આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. અહીં પાટા ઉપર કોઈ ટ્રેન નીચે આવી જતાં એક યુવાનનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ યુવાન પાસે રહેલા આધારકાર્ડમાં તેનું નામ રમાકાન્ત ઘનશ્યામ હોવાનું બહાર આવ્યું છે તેવું પોલીસે જણાવ્યું હતું. આ યુવાન બે-ત્રણ વર્ષ પહેલા ઘરેથી ઝઘડો કરી અહીં આવ્યો હતો અને અહીં પાણીપુરી વેંચતો હતો. તેણે આપઘાત કર્યો છે કે અકસ્માતે આ બનાવ બન્યો છે તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer