બિદડાના ચકચારી આપઘાત કેસમાં મૃતક પરિણીતાના સાસુને આગોતરા

ભુજ, તા. 16 : માંડવી તાલુકાના બિદડા ગામે નીતાબેન ઉર્ફે હેતલબેન નીલેશ રામજિયાણી નામની પરિણીત યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધાના કિસ્સામાં આ પરિણીતાના સાસુ સાવિત્રીબેન નરશીં રામજિયાણીને જિલ્લા અદાલત દ્વારા આગોતરા જામીન આપવામાં આવ્યા હતા. આ આગોતરા જામીનની સુનાવણી અત્રેના અધિક સેશન્સ જજ સી.એન.પવારની અદાલત સમક્ષ થઇ હતી. ન્યાયાધીશે બન્ને પક્ષને સાંભળી સાવિત્રીબેનને આગોતરા જામીન આપતો આદેશ કર્યો હતો. આ કેસમાં આગોતરા માગનારા અરજદાર વતી વકીલ તરીકે વરિષ્ઠ ધારાશાત્રી એસ.ટી. પટેલ તથા વિનોદ વી. મહેશ્વરી, હિરલ એસ. પટેલ, સોનલ જે. વાલાણી રહ્યા હતા. - રિક્ષાની લૂંટમાં જામીનમુકિત  : બીજીબાજુ ભુજ શહેરમાં બનેલા રિક્ષાની લૂંટના કિસ્સામાં આરોપી વિજય નરશીં સોરઠિયાને કોર્ટ દ્વારા જામીન અપાયા હતા. અધિક સેશન્સ જજની અદાલતે આ આદેશ કર્યો હતો. આરોપીના વકીલ તરીકે ફારૂક એમ. સુમરા અને વસીમ એ. અરબ રહ્યા હતા.  - અપહરણ-એટ્રોસિટીમાં જામીન  : મુંદરા ખાતે મહેશનગર વિસ્તારમાં રહેતા યુવાનને બોલેરો જીપકારમાં ઉઠાવી જઇને તેને માર મારવા સંબંધે એટ્રોસિટી ધારા સહિતની કલમો તળે દાખલ થયેલા કેસમાં આરોપી અશોક શામરા દનિચાને જામીન અપાયા હતા. ભુજની એટ્રોસિટી કેસો માટેની ખાસ અદાલતે આ આદેશ કર્યો હતો.  - હુમલા કેસમાં જામીન-આગોતરા  : દરમ્યાન ભુજના કુરેશી ફળિયામાં પૈસાની લેતીદેતીના મામલે છરી વડે હુમલો થવાના કેસમાં બે આરોપી પૈકીના સુલેમાન નાશીર ચૌહાણને ભુજના ત્રીજા અધિક સેશન્સ જજ દ્વારા જામીન અપાયા હતા. જ્યારે બીજા આરોપી ઓસમાણગની અબ્દુલ્લકાદર કુરેશીને પ્રિન્સિપાલ સેશન્સ જજ દ્વારા આગોતરા જામીન અપાયા હતા. આ બન્ને કેસમાં આરોપીના વકીલ તરીકે વરિષ્ઠ ધારાશાત્રી પી.એસ. કેનિયા સાથે સંજય પી. કેનિયા રહ્યા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer