પિંગલેશ્વર સમુદ્ર કાંઠાને પ્રવાસનધામ વિકસાવો

મોટી વિરાણી, તા. 16 : અબડાસાના સમુદ્ર કાંઠે આવેલાં પિંગલેશ્વર મહાદેવ મંદિર પરિસરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ધારાસભ્ય તરફથી વિવિધ સ્તરે રજૂઆત કરવામાં આવી છે. ધારાસભ્ય પ્ર્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યના મુખ્યમંત્રી, પ્રવાસન મંત્રી વગેરેને લેખિતમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અબડાસા વિ.સભા વિસ્તારનો અબડાસા તાલુકો એ અરબી સમુદ્રનાં કાંઠે આવેલો તાલુકો છે. દરિયાકાંઠા સુધી પાકી સડક માર્ગ ધરાવતું દરિયાકાંઠે પિંગલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તેમજ આ પિંગલેશ્વરથી ઓખા (દેવભૂમિ દ્વારકા) દરિયાઇ માર્ગેથી ફકત 36 કિ. મી.નાં અંતરે જ આવેલું છે. આ પિંગલેશ્વર મહાદેવનાં મંદિરે શ્રાવણ માસનાં સોમવારે અને મહાશિવરાત્રિના મેળો ભરાય છે, જ્યાં સેંકડો ભાવિક ભક્તો દર્શનાર્થે આવતાં હોય છે. પિંગલેશ્વર દરિયાકાંઠાની વિશેષતા એ છે કે આ દરિયાકાંઠો એ અતિ સુંદર અને રમણીય દરિયાકાંઠો છે, જ્યાંનું પિંગલેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર સ્થળ છે, જ્યાં વર્ષ દરમિયાન સમગ્ર જિલ્લામાંથી યાત્રાળુઓ અને પર્યટકો આવતા હોય છે. આ દરિયા કિનારાની વિશેષતા એ છે કે આ દરિયા કિનારો સુરક્ષિત હોતાં અહીં મન મૂકીને નહાવાની પણ કંઇક અલગ મજા છે તેમજ દરિયા કિનારાની રેતી સોનેરી ચળકાટ ધરાવતી હોઇ આ બીચને ગોલ્ડન સેન્ડ બીચ તરીકે પણ ઓળખાય છે. તદુપરાંત ઘોરાડ અભ્યારણ્ય પણ?અહીંથી નજીક જ હોતાં યાયાવર પક્ષીઓ પણ આ દરિયાકાંઠે આવતાં હોય છે, જે પણ એક લહાવો છે તેમજ કોઇપણ દરિયાકિનારે સૂર્યાસ્તનો લહાવો જ છે, પરંતુ આ ચેખ્ખાંચણક બીચની રેતી પર જ્યારે આથમતા સૂર્યનાં કિરણો પથરાય છે, ત્યારે તેની સુંદરતા કંઇક અલગ જ હોય છે. આમ, આ સ્થળ દેશના પશ્ચિમ છેડાનો સનસેટ પોઇન્ટ છે. જેથી આ પિંગલેશ્વર બીચ એ યાત્રાળુઓ, પર્યટકો અને સ્થાનિક લોકો માટે ખૂબ જ અગત્યનું ફરવાલાયક પર્યટન સ્થળ અને ધાર્મિક સ્થળ છે, જેથી આ  દરિયા કિનારો ધાર્મિક આસ્થાની સાથે સાથે પર્યટન સ્થળ તરીકે પણ મહત્ત્વતા ધરાવે છે, તેથી પ્રવાસન ધામ વિકસાવવામાં આવે તેવી મારી માગણી છે એમ તેમણે પત્રમાં જણાવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer