વિરાટ અને વિલિયમ્સન : કોણ ટ્રોફી જીતશે ?

મુંજાલ સોની -  2008ની 27મી ફેબ્રુઆરી... કુઆલાલુમ્પુરમાં અંડર-19 ક્રિકેટ વલ્ડકપની સેમિફાઇનલમાં બે ટેલેન્ટેડ તરુણ કપ્તાન આમને-સામને હતા. એક તરફ હતો ભારતીય સુકાની વિરાટ કોહલી અને બીજી બાજુ ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન. ટીમ ઇન્ડિયાએ કિવીને ત્રણ વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો (અને ફાઇનલ પણ કબ્જે કરી). નવયુવાન કોહલી મેચમાં વિલિયમસનની વિકેટ સહિત બે વિકેટ ખેરવી અને ઉપયોગી 43 રન બનાવીને મેન ઓફ ધી મેચ બન્યો. બંને ધુરંધર વચ્ચેની બેટ્સમેન અને કેપ્ટન તરીકેની લાંબી અને ચર્ચાસ્પદ છતાં તંદુરસ્ત હરીફાઇનો એ આરંભ હતો અને આજે તેની પરાકાષ્ટારૂપ ઘડી આવીને ઊભી છે. 18મી જૂનથી સાઉધમ્પટનમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ફરી બંને કપ્તાન આમને-સામને છે. બંને આજે વિશ્વના સૌથી અફલાતૂન બેટધરોમાં સ્થાન પામે છે અને કેપ્ટન તરીકે પણ બંનેએ ખૂબ વાહવાહી મેળવી છે. ટીમ ઇન્ડિયાએ તાજેતરનાં વર્ષોમાં ટી-20નો વર્લ્ડકપ, વન-ડેનો વિશ્વકપ અને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી કબ્જે કરી છે અને હવે અસલ ક્રિકેટના વર્લ્ડકપ સમો ડબલ્યુટીસીનો ફાઇનલ જંગ આવી ગયો છે, ત્યારે વિરાટસેના 2019ના વર્લ્ડકપની સેમિફાઇનલમાં અને 2020માં ટેસ્ટ સિરીઝમાં મળેલી હારનો હિસાબ ચૂકતે કરી ટેસ્ટમાં ચેમ્પિયન બનવા આતુર છે, ત્યારે આ જંગને એક વર્ગ કોહલી વિરુદ્ધ વિલિયમસનનો જંગ પણ બતાવી રહ્યો છે. બંને આધુનિક ક્રિકેટના એમ્બેસેડર જેવા છે. મેદાન પર પાક્કા હરીફ હોવાની સાથે મેદાન બહાર મિત્રો પણ છે. પહેલાં બંનેની કપ્તાનીના અને બેટિંગના આંકડા પર નજર નાખીએ. વિરાટે 60 ટેસ્ટમાં ભારતનું સુકાન સંભાળ્યું છે, જેમાંથી 37માં જીત મેળવી છે અને માત્ર 14માં હાર મળી છે, તે ભારતનો સૌથી સફળ કેપ્ટન છે. ઘરઆંગણે વિરાટે 30 ટેસ્ટમાંથી 23માં જીત અને માત્ર બેમાં પરાજય મેળવ્યો છે. જ્યારે વિદેશોમાં પણ તેના નેતૃત્વમાં ટીમનું પ્રદર્શન સુધર્યું છે અને ભારતે 30 પૈકી 13માં જીત અને 12માં હાર મેળવી છે. વિલિયમસનની વાત કરીએ તો કુલ 35 ટેસ્ટમાં તેણે કિવીની કપ્તાની કરી છે, જેમાંથી 21માં જીત અને 8માં હાર મળી છે. ઘરઆંગણે તેનાં વડપણ હેઠળ ન્યૂઝીલેન્ડે 22 ટેસ્ટમાંથી 16માં જીત મેળવી છે અને માત્ર એક ટેસ્ટ ગુમાવી છે. વિદેશમાં 10 ટેસ્ટમાંથી ત્રણમાં જીત મેળવી છે પણ છ ટેસ્ટમાં કિવીનો પરાજય થયો છે. બેટિંગની વાત કરીએ તો કિંગ કોહલીએ 91 ટેસ્ટમાં 52.38ની એવરેજ સાથે 7490 રન કર્યા છે અને 27 સદી ફટકારી છે. જ્યારે વિલિયમસને 84 ટેસ્ટમાં 53.60ની એવરેજથી 7129 રન કર્યા છે અને 24 સદી ફટકારી છે. આમ, કપ્તાની હોય કે બેટિંગ હોય કોહલી અને કેન લગભગ બરોબરી પર ઊભા રહે છે. એટલે જ ડબલ્યુટીસીના ફાઇનલ જંગમાં બંને પર ક્રિકેટચાહકોની ખાસ નજર રહેશે.કેપ્ટન તરીકે કોહલી અને વિલિયમસન પોતપોતાની ટીમના સફળતમ સુકાની સાબિત થઇ રહ્યા છે, પણ મેદાન પર ટીમની આગેવાનીનો અંદાજ બંનેનો અલગ અલગ છે. કોહલી વધુ આક્રમક અને ટીમને પ્રેરિત કરનારો કેપ્ટન છે જ્યારે વિલિયમસન બહુ એક્સપ્રેસિવ નથી પણ ચતુર સુકાની છે. જો કે, ફાઇનલમાં તો પીચનો મિજાજ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. વિકેટ પર ઘાસ હોવાનું કહેવાય છે. વિકેટ ફાસ્ટ અને ઉછાળવાળી હશે તો મેચ જામશે. સ્પિનરોને પણ મદદ કરનારી હશે તો ભારતનું પલડું ભારે રહેશે અને સ્વિંગ બોલરોને યારી આપનારી હશે તો ન્યૂઝીલેન્ડની શક્યતાઓ વધુ છે. ભારતીય બેટધરોએ ટ્રેન્ટ બોલ્ટ એન્ડ કંપનીથી સાવધ રહેવું પડશે. બોલિંગમાં કેવું કોમ્બિનેશન અજમાવાય છે એ જોવું પણ રસપ્રદ રહેશે. બે સ્પિનર ઓલરાઉન્ડર આર. અશ્વિન અને રવીન્દ્ર જાડેજા તેમજ ત્રણ ઝડપી બોલર બુમરાહ, શમી, ઇશાંત સાથે ભારત ઊતરે છે કે એક સ્પિનર અને ચાર ઝડપી બોલર સાથે ઊતરે છે એ જોવાનું છે. લેટ્સ પાર્ટી બીગિન... 

© 2022 Saurashtra Trust