આ પહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ નથી !

આવતીકાલથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ શરૂ થઇ રહી છે, પણ કદાચ બધાને ખબર નહીં હોય કે આ પહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ નથી. છેક 1912માં આવી પહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમાઈ હતી. એ વખતે ઈન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટ રમતા ત્રણ દેશ ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ઈંગ્લેન્ડમાં 9 મેચની આ સ્પર્ધા રમાઈ હતી, જેમાં ચાર મેચ જીતીને અંગ્રેજ ટીમ ચેમ્પિયન થઈ હતી. જો કે, મેનેજમેન્ટ સાથે વિખવાદોને પગલે ઓસ્ટ્રેલિયાના વિક્ટર ટ્રમ્પર સહિત અનેક ટોચના ખેલાડીઓ આ સ્પર્ધામાં નહીં રમતા તેની મજા બગડી હતી. વળી ખરાબ હવામાને પણ ચેમ્પિયનશિપમાં અનેક ખલેલ નાખી હતી. છેલ્લાં કેટલાંય વર્ષોથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનાં આયોજનના પ્રયાસ થતા હતા. ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવ એ માટે ખાસ પ્રયાસશીલ હતા. 2009માં પહેલીવાર આઈસીસી અને એમસીસી વચ્ચે સત્તાવાર રીતે ટેસ્ટ ચેમ્પિયનશિપની ચર્ચા થઈ હતી. જુલાઈ 2010માં આઈસીસીના એક્ઝિક્યુટિવ હારૂન લોરગાટે ટોચના ચાર દેશ વચ્ચે સ્પર્ધા રમાડવાનું સૂચન કર્યું હતું. તેઓ સેમિફાઈનલમાં ટકરાય અને પછી ફાઈનલ ખેલાય. 2013માં છેલ્લીવાર વન-ડેની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી રમાય અને પછી તેના સ્થાને ટેસ્ટ ચેમ્પિયનશિપ રમાય એવી દરખાસ્ત હતી.  2013માં જ પહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ઐતિહાસિક લોર્ડ્ઝમાં રમાશે એવી જાહેરાત પણ આઈસીસી દ્વારા કરવામાં આવી હતી. ચાર વર્ષના ગાળામાં ટેસ્ટ રમતા દેશોના દેખાવના આધારે ટોપની ચાર ટીમ પસંદ થાય અને તે પ્લેઓફ રમે એવી યોજના હતી, પણ નોકઆઉટ તબક્કામાં ડ્રો મેચોનાં પરિણામ અને પોઈન્ટ અંગે કોઈ નિર્ણય લઈ શકાયો નહોતો. પછી 2013માં ટેસ્ટ ચેમ્પિયનશિપ રમાડવાનો નિર્ણય પડતો મુકાયો. 2012માં વળી આઈસીસીએ એવો નિર્ણય લીધો કે જૂન 2017માં ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્લેઓફ મેચો રમાશે.વળી જાન્યુઆરી 2014માં ટેસ્ટ ચેમ્પિયનશિપ રદ્ થઈ અને 2017માં ફરી વન-ડેની ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરાયું. અંતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનાં ફોર્મેટ સહિતની બાબતોને અંતિમ ઓપ અપાયો અને 2019ની એશિઝ શ્રેણી સાથે આ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત થઈ ગઈ. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer