શિક્ષણ ક્ષેત્રે સરકાર વિદ્યાર્થીઓને રાહત આપે : કોંગ્રેસ અગ્રણીની માંગ

ભુજ, તા. 16 : હાલના મોંઘવારીના સમયમાં બાળકોને શિક્ષણ અપાવવું પણ હવે ખૂબ જ કપરું બની રહ્યું છે ત્યારે સરકાર તમામ બાબતો પર ધ્યાન આપીને સત્વરે નિરાકરણ કરે તે જરૂરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન અને માધાપર ગ્રા. પં.ના ઉપપ્રમુખ અરજણભાઈ ભુડિયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને ગુજરાત રાજ્ય શિક્ષણમંત્રીને રજૂઆત કરતાં જણાવ્યું છે કે, આજે મોટા ભાગની ખાનગી સ્કૂલોમાં જ્યારે શિક્ષણ ફી મોંઘી છે ત્યારે તેમાં રાહત અપાવવાની સાથે જે ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓ આવેલી છે તે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવી જોઈએ તેમજ પૂરતા શિક્ષકોની નિમણૂક આપવી જોઈએ તેમજ ઓનલાઈન શિક્ષણ જ્યાં પણ અપાઈ રહ્યું છે તે સ્થળોએ જે વિદ્યાર્થી મોબાઈલ ખરીદી શકતા નથી તેમને સરકારની યોજનામાં મોબાઈલ નિ:શુલ્ક અપાય તે જરૂરી બન્યું છે.આ ઉપરાંત હાલ કોરોનાકાળમાં મધ્યમવર્ગીય પરિવારોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે ત્યારે આ સમયમાં અભ્યાસ માટેના પાઠયપુસ્તકો, નોટબુકો, યુનિફોર્મ સહિતની ચીજવસ્તુઓના ભાવમાં સરકારે રાહત આપવી જોઈએ. વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે ત્યારે અભ્યાસ ક્ષેત્રે આવતી તમામ બાબતો પર સરકાર રાહત આપે તે જરૂરી બની રહે છે, તેવું શ્રી ભુડિયાએ યાદીમાં જણાવ્યું છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer