હોલમાર્કિંગ અમલી; શુદ્ધતાનો લાભ, પ્રશ્નો પારાવાર

હોલમાર્કિંગ અમલી; શુદ્ધતાનો લાભ, પ્રશ્નો પારાવાર
મુંજાલ સોની દ્વારા-  ભુજ, તા. 15 : માનુનીઓને આકર્ષતા અને રોકાણના હિસાબે પણ સલામત-ફાયદેમંદ એવા સોનાના દાગીનામાં હોલમાર્કિંગ ફરજિયાતના દેશભરમાં આજથી લાગુ થઈ રહેલા કાયદાને લીધે એક તરફ ગ્રાહકો છેતરાયા વિના શુદ્ધતાથી પ્રમાણિત ઘરેણા ખરીદી શકશે, પણ અનેક પ્રશ્નોનો જવાબ અને વિસંગતતાઓનો ઉકેલ હજી મળ્યો ન હોવાથી ઝવેરીઓમાં ક્યાંક ઉચાટ પણ છે. ખાસ કરીને હોલમાર્કિંગની માળખાંકીય સુવિધાઓના વિસ્તાર વિના આ કાયદાનો અમલ કઠિન બનશે એવો જ્વેલર્સનો સૂર છે. બહુ મોટો વિસ્તાર ધરાવતા કચ્છમાં અત્યારે માત્ર ત્રણ જ હોલમાર્કિંગ સેન્ટર છે અને રાપર અને લખપત જેવા છેવાડાના વિસ્તારોના સુવર્ણકારોએ દાગીનાઓના હોલમાર્કિંગ માટે બહુ લાંબા થવું પડે તેવો તાલ છે. બીજી તરફ કચ્છ સહિત દેશભરના ઝવેરીઓ પાસે સૈથી વધુ માલ 20 કેરેટનો છે અને સરકારે 14,18 અને 22 કેરેટને જ હોલમાર્કિંગ કરીને વેંચવાનો કાયદો બનાવતાં 20 કેરેટ(83.3 ટકા શુદ્ધતા)ના માલના નિકાલનો પણ મોટો મુદો્ ઊભો છે. જો કે, માહિતગાર વર્તુળો જણાવે છે કે સરકારે સૈદ્ધાંતિક રીતે આ મુદો્ સ્વીકાર્યો છે અને તેનો ઉકેલ આવે તેવી આશા છે. કચ્છમાં નાના મોટા  1પ00 જેટલા વેપારી છે તે પૈકી  પ00થી 600 વેપારી શોરૂમ ધરાવે છે.કચ્છ બુલિયન ફેડરેશનના મનસુખ કોડરાણી કચ્છમિત્રને જણાવે છે કે હોલમાર્કિંગના કાયદાને અમે આવકારીએ છીએ. વેપારીઓ જે બોલે તે ગ્રાહકને આપે તેવા ભાવ સાથેના કાયદાથી વિશ્વાસ ઓર મજબૂત થશે, પણ અમુક પ્રશ્નોનો ઉકેલ જરૂરી છે. કચ્છ હોય કે દેશના અન્ય જિલ્લાઓ હોય, વધુ  હોલમાર્કિંગ સેન્ટરો ઊભાં થવાં જરૂરી છે. વળી આંતરરાષ્ટ્રીય માપદંડો કે સંસ્કૃતિ મુજબ નહીં પણ ભારતીય ધારાધોરણ અને સંસ્કૃતિ મુજબ 14, 18 અને 22 કેરેટ ઉપરાંત 20, 21 કેરેટને પણ હોલમાર્કિંગથી વેચાણમાં આવરી લેવા જોઈએ. ઉપરાંત કાયદામાં બતાવાયેલી ત્રણ  કેટેગરી સિવાયના કેરેટનું સોનું મોટા પાયે ગાળવું પડે તો એ માટેની પ્રમાણિત રિફાઈનરીઓ પણ હોવી જોઈએ. કચ્છ જિલ્લા સોનાચાંદી મહામંડળના પ્રમુખ હીરાલાલભાઈ સોની કહે છે કે ગ્રાહકોને શુદ્ધ માલ મળવો જરૂરી છે, પણ વેપારીઓ ગ્રાહકો સાથે છેતરપિંડી કરે તો તેને લગતો કાયદો તો અગાઉથી જ અમલમાં છે ત્યારે ઝવેરીઓ માટે નવા કાયદામાં એક વર્ષ સુધી જેલની સજા અને એક લાખના દંડ જેવી જોગવાઈઓ સામે દેશના સોના-ચાંદીનાં સંગઠનોએ રજૂઆતો કરી છે. નવા કાયદામાં 20 કેરેટના દાગીનાને બાકાત રાખવામાં આવ્યા છે અને 90 ટકા માલ તો તેનો જ હોય છે તો આ માલ ગાળીને નવા દાગીના બનાવવામાં તો વેપારીઓને મોટું નુકસાન થાય તેમ છે. નવા હોલમાર્કિંગ સેન્ટરો ખોલવાં આસાન નથી અને તેમાં મોટું રોકાણ કરવું પડે, વળી મોટા પાયે દાગીના આવતા હોય ત્યારે લૂંટ સહિતના જોખમો તો ઊભાં જ હોય. એટલે માળખાંકીય સુવિધાઓનો પ્રશ્ન તો છે જ. ભુજ બુલિયન એસોસીએશનના પ્રમુખ ભદ્રેશ દોશી જણાવે છે કે વેપારીઓ નવા કાયદા માટે તૈયાર છે. પણ અમારા બુલિયન સહિત દેશભરના યુનિયનોની નવા હોલમાર્કિંગ કાયદામાં 20 કેરેટને પણ સામેલ કરવાની માગણી છે. કચ્છ સહિત દેશભરમાં હોલમાર્કિંગ સેન્ટરો ઓછાં છે ત્યારે અમે વેપારીઓ તેના સમાધાન માટે પ્રયત્નશીલ છીએ. નવા હોલમાર્કિંગ સેન્ટરો ભુજ હોય કે નખત્રાણા, માંડવી, મુંદરા સહિતના નગરોમાં ખુલે તેવા પ્રયાસ છે. ઉપરાંત વેપારીઓએ હોલમાર્કિંગનું લાયસન્સ લેવાનું થતું હોય છે અમે ભુજ બુલિયન એસોસીએશને અમારા સભ્યો પૈકી જેમના લાયસન્સ બાકી હોય તેમનું રજીસ્ટ્રેશન વિનામૂલ્યે કરી આપવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર બહુ લાંબા સમયથી હોલમાર્કિંગના કાયદાના અમલ માટે પ્રયાસ કરી રહી છે. કોરોના સહિતના કારણોને લીધે દોઢ વર્ષથી આ કાયદાનો અમલ મુલતવી રહેતો હતો. હવે તે અમલી બની રહ્યો છે. હોલમાર્કનો આધાર બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ(બીઆઈએસ) છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કચ્છ એ રાજકોટના બીઆઈએસ અંતર્ગત આવે છે અને આ કાયદાની અમલવારીના સંદર્ભમાં સ્થાનિકે ક્યું તંત્ર કાર્યરત રહેશે એ બહુ સ્પષ્ટ નથી. સંભવત: મામલતદાર કે ગ્રાહક બાબતો જેવા વિભાગો ચિત્રમાં આવી શકે. આ કાયદાથી લોકોના ઘરમાં કે લોકરમાં પડેલા સોનાને કોઈ ફરક પડશે નહીં. ગ્રાહકો હોલમાર્ક વગર તે વેંચી શકે છે. ગ્રાહકો સાથે શુદ્ધતામાં છેતરપિંડી ઘટશે.સૂત્રોના આક્ષેપ અનુસાર સરકાર એક તરફ સોનામાં કાળા નાણાને ઘટાડવા માટે પ્રયાસશીલ છે. તમામ દાગીના હોલમાર્ક થાય અને વેંચાય તો સરકારને વેરાની આવક વધે પણ સાથે સરકાર અમુક મોટી કંપનીઓ માટે પણ અનુકૂળ વાતાવરણ ઊભું કરવા માગે છે. કંપનીઓના વેચાણ મુજબની કેરેટની કેટેગરીના દાગીના હોલમાર્કમાં રાખવામાં આવ્યા છે. નાના વેપારીઓનો વિચાર કરાયો નથી.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer