એન.જી.ટી.ના ચુકાદાથી... `બન્નીનું માથું કળશિયામાં...''

એન.જી.ટી.ના ચુકાદાથી... `બન્નીનું માથું કળશિયામાં...''
નવીન જોશી દ્વારા-   મીઠડી (તા. ભુજ), તા.15 : 200થી વધુ પ્રજાતિના પક્ષીઓનું આવાગમન, 100 પ્રકારના પૌષ્ટિક ઘાસનું કુદરતી જ ઉત્પાદન, કાંકરેજી ગાય અને કુંઢી ભેંસનો પ્રિય પ્રદેશ, વળી 108 વર્ષની ભેંસની વંશાવલીનો ઇતિહાસ, 450 કરતાં વધુ વર્ષથી ઘાસિયા મેદાન જ નહીં પણ એશિયાના સમૃદ્ધ એવા ઘાસિયા મેદાનોમાં સમાવિષ્ટ જમીન, 48 વસાહત, 19 ગ્રામ પંચાયત અને 950થી એક હજાર જણની સભ્યસંખ્યા ધરાવતું એકમાત્ર સંગઠન જ્યાં `બારાતુ'ઓની બુદ્ધિથી ચાલે છે તેવી `બન્ની', જી હા... ઘી-દૂધ-છાશ-માખણ અને મીઠા માવાની તથા ગેરકાયદે બાવળિયા-કોલસા બનાવતી બન્ની કે જેનો ઉલ્લેખ પણ વડાપ્રધાન આંતરરાષ્ટ્રીય સ્તરે કરે છે અને જ્યાંની આબાદી શિક્ષણમાં પછાત અને પશુસેવામાં, જીવદયામાં જૈનોની બરોબરી કરે કે ઘણી વખત વધી પણ જાય એવી આખેઆખી `બન્ની'નું માથું 26મી મે-2021થી કળશિયામાં આવી ગયું છે. ગુજરાતી અને કચ્છીમાં કહેવત સ્પષ્ટ છે કે `મની (બિલાડી)નું માથું કળશિયામાં...' અર્થાત ખૂબ ચંચળ, તાકાતવર અને સ્ફૂર્તિમય હોવા છતાં દૂધની લાલશામાં જ્યારે એ જીવ સાંકડા કળશિયામાં માથું નાખી દે છે પછી ફસાય છે અને કળશિયા સહિત માથા પછાડે છે. કંઇક એવી જ હાલત નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ દિલ્હીએ આપેલા ગૂંચવાળા ભરેલા ચુકાદાને પગલે બન્નીની થઇ છે. ભુજથી ઉત્તરે ઠેઠ પાકિસ્તાનને અડતી સરહદ પર ભારત સરકાર દ્વારા દિલ્હીના ક્ષેત્રફળ કરતાં પણ વિશાળ કહેવાતા `સોલર એનર્જી પાર્ક'ની સ્થાપના કરી રહી છે અને એ માટે ભુજના વાયુસેના મથકથી રસ્તાઓનું કદ વધારી વિસ્તૃતિકરણ થઇ રહ્યું છે અને વેકરિયાના રણમાંથી 12 ફૂટ ઊંચો ફલાયઓવર જેવો માર્ગ નિર્માણ પામી રહ્યો છે એ માર્ગની ડાબે, જમણે, ઉગમણે-આથમણે પથરાયેલા કુલ્લ 3847 કિ.મી. ક્ષેત્રફળ ધરાવતા અને સિંધના સૂફી સંત શાહ લતીફ ભિટ્ટાઇએ પોતાની રચનાઓમાં જેને `પીરનજો પટ્ટ' અર્થાત પવિત્ર ભૂમિનો દરજ્જો આપ્યો છે એવા સદીઓથી વસતા માલધારીઓના મુલકમાં થયેલા અનધિકૃત દબાણો છ માસમાં હટાવી લેવાની `નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ દિલ્હી' (એન.જી.ટી.)ની સાફ સૂચનાને પગલે-પગલે હવે બન્નીની શી સ્થિતિ થઇ એ જાણવા અને અખબારીધર્મ અનુસાર પૂરેપૂરા કચ્છને માહિતગાર કરવા `કચ્છમિત્ર'ની ટીમે સોમવારે બન્નીનો કાળી સડકો ઉપરાંત ધૂળિયા કાચા માર્ગે પણ ફરીને વિસ્તૃત પ્રવાસ કર્યો તો નરી આંખે જોવા મળ્યું કે નિર્દોષ માલધારીઓને એન.જી.ટી. શું છે એનોય ખ્યાલ નથી. બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન શા માટે બન્ની માટે દિલ્હી સુધી ગયું એનીય ગતાગમ નથી અને `સહજીવન' સંસ્થાવાળા મિટિંગોમાં બધાને બોલાવી જે વાતો કરે છે અને કરારનામા પર અંગૂઠા કરાવે છે એમાં બહુ ઓછી ગતાગમ પડે છે.   હા, એક વાત સાફ અને દીવા જેવી સ્પષ્ટ છે કે અગિયાર-અગિયાર પેઢીઓથી બન્નીમાં જ રહેતા, સરહદ પર એક રાષ્ટ્રપ્રેમી સૈનિકની જેમ રક્ષણહાર તરીકે કષ્ટ વેઠતા અને કુદરતના ખોળામાં ઉછરે એમ ભૌતિકવાદથી પર રહીને ઉછરતા આ માલધારી સમુદાયને હવે 450થી 500 વર્ષના એક જ જગ્યાના વસવાટ બાદ પોતાનું `સરનામું' જોઇએ છે અને પોતાના પશુઓના ચરિયાણ માટે સુનિશ્ચિત જમીન જોઇએ છે. ઘરના ઘરની માલિકી જોઇએ છે, સીમતળ-ગામતળ-ગૌચર જોઇએ છે અને દેશભરના નાગરિકોની જેમ વિકાસ પણ જોઇએ છે, જેના બદલામાં તેઓ કોઇ `વાડો', `ગામ' કે ઘર છોડવા તૈયાર નથી... નથી... અને નથી જ... જરૂર પડશે તો ગમે તેનો પ્રતિકાર કરવા અને જેલમાં જવા પણ તેઓ તૈયાર છે... અને સૌથી અગત્યની વાત કે બન્નીમાં સઘન પ્રવાસ કરીને લોકો સાથે વાત કરી તેમાં એવું તારણ નીકળ્યું કે, તેઓને `સહજીવન' સંસ્થાની શિખામણો પર વિશ્વાસ નથી તથા `બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન'માં પણ કોઈ વિશ્વાસ નથી. એક વખત તેઓ સંગઠનમાં જોડાયા અને `વન અધિકાર' માગ્યા... પણ એ માટે એન.જી.ટી.માં જવાનો તેમનો ઇન્કાર હતો છતાં સંગઠન સંસ્થાના સહારે દિલ્હી પહોંચ્યું અને ત્યાંથી જમીન ખાલી કરાવવાનો મર્મભર્યો આદેશ આવતાં જ હવે એ આદેશ સામે તેઓ અદાલતના દ્વારે ગયા છે. આમ `ચટ્ટ ભી મેરી, પટ્ટ ભી મેરી'?વાળી સ્થિતિમાં બન્નીનું માથું કળશિયામાં આવી ગયું છે અને છૂટકારા માટે તેઓ હવે અંતિમ લડાઇ લડી લેવા પર ઊતરી રહ્યા છે. કદાચ તેથી જ કહી શકાય કે બન્નીમાં ભારેલો અગ્નિ છે, ક્યારે શાંતિનો રાગ બેસૂરો થઇ જાય કહી શકાય નહીં. બન્ની પ્રદેશ કચ્છની પાકિસ્તાનને અડતી રણકાંધી પર સદીઓથી ઊભેલો આગવો પ્રદેશ છે. અહીં રજાશાહી વખતથી કચ્છ અને સિંધના પશુઓ ચરિયાળ કરતા અને માલધારીઓ નિસર્ગના ખોળે વસતા આઝાદી બાદ 1956માં બન્ની રક્ષિત વન વિસ્તાર તરીકે જાહેર થઇ?અને ત્યારથી માંડીને આજ દિન સુધી આ મુલકની પીડાનું શમન કરવાનો રાજકીય પ્રયાસ થયો નથી. મતબેન્ક તરીકે સતત જેનું રાજકીય શોષણ કરાયું છે એવી આ બન્નીમાં `સહજીવન' જેવી ભણેલા-ગણેલાઓની સંસ્થાએ જાગૃતિ આણી અને હક્કો માટે મોઢું ખોલવા તૈયાર કર્યા પણ એ જ સંસ્થાની એનજીટીમાં જવાની એક શિખામણે આજે ભર્યાભાદર્યા આખા બન્નીની ઊંઘ હરામ કરી દીધી છે અને તેથી જ હવે કાં આ પાર કાં ઓ પારવાળો ન્યાય તોળવા પર અલ્પશિક્ષિત વસતી આવી જતાં હવે સમય વર્તીને, રાજકીય  ઇચ્છાશકિત જાગૃત કરીને  કચ્છ-ગુજરાતથી માંડી દિલ્હી સુધી રાજકીય પક્ષો-નેતાઓ બન્નીનું કોકડું નહીં ઉકેલે તો ભારે નવાજૂની સાથે કાયદો-વ્યવસ્થા સામે પણ પડકાર ઊભો થવાની દહેશત છે. જો કે, મોટી દહેશત તો સદીઓથી શાંતિપ્રિય રહેલો  માલધારી સમાજ પોતાની પ્રકૃતિ બદલીને અશાંતિ તરફ ઢળતો કળાય છે.  બન્નીવાસીઓ ખુદ બે ભાગમાં વિભાજિત છે. ધોરડો, ભીરંડિયારા, ભોજરડો, ઉડઇ અને મીસરિયાડો એ પાંચ ગ્રામ પંચાયત મહેસૂલ હક્ક માગે છે, જ્યારે બન્નીની કુલ 19 પૈકી સરાડા, ભિટારા, લુણા, છસલા (ભગાડિયા), મીઠડી, સેરુવા, સરગુ, દદ્ધર અને હોડકો એ 14 ગ્રા.પં. વન અધિકાર માગતા હતા  અને સંગઠનમાં જોડાઇ દિલ્હી સુધી પહોંચ્યા, પરંતુ દિલ્હી સ્થિતિ પર્યાવરણના હિતોના રક્ષણાર્થે કાર્યરત `નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ' એ કોઇ સ્પષ્ટ ચુકાદો આપવાને બદલે ગેરકાયદે વાડા છ માસમાં હટાવવા અને ગુજરાત સરકાર તથા કચ્છ કલેક્ટર સંયુકત રીતે ઉચ્ચસ્તરીય સમિતિ રચીને  બન્નીનો પ્રશ્ન ઉકેલે તેવો અસ્પષ્ટ ચુકાદો આપતાં જ વનતંત્ર ગેલમાં આવી ગયું અને 100-200 હેક્ટરના નવા-ઘાસ પ્લોટના નિર્માણમાં મોટાપાયે પડેલી  ગ્રાન્ટનો વપરાશ કરવામાં જોતરાઇ ગયું, જેનો સમગ્રમાં વિરોધ છે. વનતંત્ર ઘાસપ્લોટ કરે તો તેને છૂટ અને ગામના લોકો કરે તો મનાઇ એવું કેમ ? એ પ્રશ્ન સાથે આવા `વાડા' નિર્માતા કહે છે કે, અમે માથાભારે  જમીનભૂખ્યા ધંધાર્થી નથી. અમેય મજૂરોને રોજી-રોટી આપી અમારા સંતાનોના ભાવિની ચિંતા કરીએ છીએ. અમારા પ્લોટમાંથી હજારો મણ ઘાસચારો ઢોરને મળે છે. વનતંત્રના પ્લોટનો હિસાબ તો માંડો, માત્ર કાગળ પર જ રમત થાય છે અને ભવિષ્ય અમારા બાળકોનું જોખમાય છે. વનતંત્ર બન્નીમાં ઉછરેલું એક ઘેઘૂર વૃક્ષ બતાવે નહિતર આવીને હોડકો, સરગુમાં અમારા દેશી આંબા જુએ... આ આક્રોશ અનેક મુખમાંથી અસ્ખલિત શબ્દોમાં ભીરંડિયારા, હોડકો, ડુમાડો, ભોજરડો, વડ, મીઠડી, સરગુ, સાડઇ, ધોરડોમાં  અલગ અલગ રીતે સાંભળવા મળ્યો.ધોરડો સહિતની પાંચ ગ્રામ પંચાયતો સ્પષ્ટ છે કે, ગામતળ-સીમતળ-ગૌચર નક્કી કરો, બાકીની જમીન વનતંત્રની, એક અંદાજ એવો પણ બન્નીમાં  બંધાય છે કે, 48 વાંઢ, 19 ગ્રા.પં. અને તેમાં નોંધાયેલા એક-એક પરિવારને  20-20 એકર જમીન આપી દેવાય તોય વનતંત્ર માટે લાખો એકર હેક્ટર જમીન બચે અને દીવા જેવું સાફ છે કે, બન્ની વનતંત્ર માટે  માત્ર એક એટીએમ છે. ગ્રાન્ટ આવે અને ચાઉં...પરિણામ ટકામાં પણ માંડ મળે.ઉલ્લેખનીય છે કે, વન અધિકારની તરફેણમાં હતા એ લુણા, ડુમાડો, ભિટારા, સાડઇ અને બેરડો બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનથી પણ કદાચ અલગ થઇ ગયા છે. ગામેગામ મળેલા રહિમાબેન જાની, ફકીરમામદ ઇસ્માઇલ, ખાનમામદ અદ્રેમાન રાયશી, અબ્દુલકાદર, હાલેપોત્રા, મુતવા, જત નામધારીઓ કે અટક ધારીઓ કહે છે કે, જ્યારે  સંસ્થા (સહજીવન) સંગઠન સાથે એનજીટીમાં જવાની હતી ત્યારે ખાતરી અપાઇ હતી કે, વનતંત્રના વાડા હટી જશે, સામૂહિક ઠરાવની પણ વાત હતી. વનતંત્ર વિરુદ્ધ પણ?દિલ્હીએ તો વનતંત્રનું સમર્થન કર્યું, અર્થાત અમારી અશિક્ષિતપણાની મજબૂરીનો  ગેરલાભ લઇ અમારાથી દ્રોહ થયો જે અમારા માટે દુ:ખદ છે. હવે ક્યાં જઇએ ?બીજી તરફ બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ તથા ઉપપ્રમુખનો ટેલિફોન પર સંપર્ક સાધતાં પ્રમુખ મિરાશા મુતવાનો ફોન નો રિપ્લાય મળ્યો હતો જ્યારે ઉપપ્રમુખ મુસાભાઇ જુમ્મા રાયશીંએ વિસ્તૃત વાત કરતાં જણાવ્યું હતું કે, સંગઠન બન્નીના ગામેગામ-પંચાયતના સદસ્યોથી રચાયું છે અને બન્નીનાં હિત માટે કાર્યરત છે. સંગઠન એન.જી.ટી.માં ત્રણ મુદ્દા સાથે ગયું હતું. એક વન અધિકાર હેઠળ ટાઇટલ મળે, બીજું બધાં જ દબાણ દૂર થાય અને ત્રીજું જંગલખાતું પણ અટકે..એન.જી.ટી.એ ધાર્યા કરતાં અસ્પષ્ટ અને ઉલટો જ ચુકાદો આપતાં હવે શું ? એવું પૂછતાં ઉપપ્રમુખે કહ્યું હતું કે કોરોનાના કારણે બેઠક થઇ શકતી નથી, પણ ટૂંક જ સમયમાં બેઠક યોજી આગળનાં પગલાં વિચારીશું. હાલ સંગઠન જ નહીં, સમગ્ર બન્ની વનતંત્રની તાબડતોબ પ્લોટ વાળવાની શરૂ થયેલી કામગીરીથી ભયભીત છે અને એ અટકાવવા સંગઠન કોર્ટમાં ગયું છે.બન્નીવાસીઓનાં હિતમાં અને ભવિષ્યને કેન્દ્રમાં રાખીને સંગઠન રચાયું છે તેવા શબ્દો સાથે આ આગેવાને બન્નીના વ્યક્તિગત `વાડા' જંગલખાતાંના ઘાસપ્લોટ પણ દૂર થાય અને વન અધિકાર તળે નાગરિકોને ટાઇટલ મળે તે વાત દોહરાવી હતી, પણ એન.જી.ટી.એ વન અધિકારનો મુદ્દો જ ઉડાવી દીધો છે એ બાબતે તેઓ પણ સ્પષ્ટ ન હતા. - વનતંત્ર કહે છે, અમે રણ નવસાધ્ય કરીએ છીએ : ભુજ, તા. 15 : બન્નીવાસીઓ પૈકીના એક જૂથે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં વન અધિકારોની માંગ સાથે કરેલી અરજી એન.જી.ટી.એ અસ્પષ્ટ ચુકાદા સાથે સાફ સાફ નકારી દીધી તેથી એક વર્ગમાં નારાજગી છે અને એ વર્ગ પોતાની નારાજગી વનતંત્ર પર ઢોળવાના પ્રયાસમાં હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. વનતંત્રએ મુખ્યમંત્રી પ્રોજેકટ હેઠળ બન્નીમાં 3500 હેકટર જમીન નવસાધ્ય કરવા આ વર્ષે બીડું ઝડપ્યું છે અને પાંચ સ્થળો પર તેના ઘાસપ્લોટ નિર્માણ પામી રહ્યા છે. જ્યાં બન્નીનાં જ એક હજારથી વધુ શ્રમિકોને રોજી તથા યાંત્રિક મશીનરીના માલિકોને આવક થઇ રહી છે. બન્ની ડિવિઝનમાં એસીએફ એમ.યુ. જાડેજાનો તથા આર. એફ.ઓ. શ્રી ગઢવીનો સંપર્ક સાધતાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે એન.જી.ટી.ના ચુકાદા અને તેમના ઘાસપ્લોટ સાથે કોઇ લેવા દેવા નથી. ખુદ મુખ્યમંત્રીએ ઘાસક્ષેત્રે કચ્છ આત્મનિર્ભર બનશે તેવો કોલ આપ્યો અને ગઇકાલે ખુદ વડાપ્રધાને જી-7 રાષ્ટ્રોને બન્નીની જમીન નવસાધ્ય કરવાનું જણાવ્યું એ પ્રોજેકટ પર વનતંત્ર હાલ સક્રિય છે. બન્નીનાં સરાડો, ભિરંડિયારા, સરગુ, બેરડો  વનતંત્રની જ રખાલ અને તુગા સહિત કુલ પાંચ રેન્જમાં ગામલોકો અને પંચાયત કહે તે રીતે ઘાસપ્લોટ ઊભા કરાય છે, કાંટાળી વાડ ઊભી થાય છે અને ચારેય તરફ ઊંડી ખાઇ પણ ખોદાય છે. જો એવું ન કરાય તો પશુઓ પ્લોટમાં ચરિયાણ માટે ઘૂસી જાય અને નુકસાની થાય. ભૂતકાળમાં વનતંત્રએ જે કર્યું હોય તે, પણ આ વખતે ઘાસની દિશામાં આત્મનિર્ભર થવા રાજ્યના મુખ્યમંત્રીનો જ આદેશ હોવાથી તંત્ર ખૂબ ગંભીરતાથી આ દિશામાં આગળ ધપી રહ્યું છે, કોલસાની કોઇ છૂટ નથી પણ ગામલોકો લાકડા કાપીને બાળવા લઇ જાય છે તેવું જણાવતા આ અધિકારીઓએ ગત સિઝનમાં એક હેકટરે 500થી બે હજાર કીલો ઘાસ ઉત્પાદન કરાયું અને આજે નવ હજાર કીલો ઘાસ ગોડાઉનમાં પણ હોવાનું જણાવી વનતંત્રની કામગીરી ફોરેસ્ટ એકટીવીટી છે અને એન.જી.ટી.એ બન્નીમાં નોન ફોરેસ્ટ એકટીવીટી પર છ માસમાં રોક લગાડવા આદેશો આપ્યાનું ઉમેર્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer