બિદડા પાસે અટકેલું નર્મદા નહેરનું કામ ચાલુ

બિદડા પાસે અટકેલું નર્મદા નહેરનું કામ ચાલુ
મોટા ભાડિયા, (તા. માંડવી), તા. 15 : કચ્છની જીવાદોરી સમાન નર્મદા નહેરનું બિદડા ગામની ઉતરાદી અને ઉગમણી દિશામાં છેલ્લાં ઘણા સમયથી કિસાનોના પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે ઘોંચમાં પડેલું 1.600 મીટરનું કેનાલનું કામ આજે કિસાનો સાથે માંડવીના મામલતદાર નવીનચંદ્ર મારૂની આગેવાની હેઠળના વહીવટી તંત્ર અને નર્મદા નિગમના અધિકારીઓ સાથે ઉકેલ આવતા મામલો શાંત પડયો હતો.`કચ્છમિત્ર'માં બે દિવસથી પ્રગટ થતા હેવાલનો સીધો પડઘો પડયો હતો. આખરે નહેરનું કામ ચાલુ કરાવાયું હતું. આ અંગેની વિગતો આપતા મામલતદારે જણાવ્યું હતું કે કિસાનોની માંગણી એવી હતી કે અમુક ઠેકાણેથી જ્યાં કેનાલ બંધાઇ છે. પરંતુ જે જગ્યાએ વોકળાનું પાણી કેનાલની વચ્ચેથી પસાર થાય છે. ત્યાં આજુબાજુનો વિસ્તાર સાવ ખુલ્લો છે અને ગત ચોમાસામાં રેતીના ભરાવાથી આ જગ્યા બંધ થઇ ગઇ હતી. તેથી તે જગ્યાએ કેનાલને અંડરગ્રાઉન્ડ કરવી જેથી પાણીનો નિકાલ થઇ શકે. આ ઉપરાંત એ જગ્યાએ બિદડા કાંડાગરાનો જુનો રાજમાર્ગ હોઇ સ્થાનિક લોકોની અવર-જવરનો રસ્તો ઉપરાંત વિદ્યાર્થીઓ પણ આ રસ્તે જ શાળાએ જતા હોવાના પ્રશ્નનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો. ઉપરાંત બિદડાથી ભાડિયા તરફ વહેતી કપુરી નદી પર અંડરગ્રાઉન્ડ કેનાલની સાઇડમાંથી રસ્તો બનાવવાની માંગ  પણ ખેડૂતોની સંતોષવામાં આવી હતી. એક જગ્યાએ પાઇપ કલવટ બનાવવાની માંગણી પણ ગ્રાહ્ય રાખવામાં આવી હતી. નિગમના નાયબ કાર્યપાલક ઇજનેર વ્રજભાઇ પંડયાએ ઉમેર્યું હતું કે, આજના આ બનાવથી અન્ય ખેડૂતો પણ કચ્છ હિતને ધ્યાને લઇ હકારાત્મક વલણ અપનાવે તો જે-જે જગ્યાએ કામ અટવાયેલાં પડયાં છે તે વહેલી તકે પુરાં થાય અને કચ્છને સિંચાઇ અને પીવાનું ઝડપભેર મળી શકે. શક્ય એટલી વહેલી તકે નહેર મોડકુબા સુધી પહોંચાડવાના પ્રયાસ કરી રહેલા આ અધિકારીએ ઉમેર્યું હતું કે, પ્રશ્નો તો ઉપસ્થિત થાય પરંતુ વહીવટી સુઝબુઝ અને ખેડૂતોની સદભાવના અને સમર્પણની નીતીથી આ કામ સરળ થઇ શકે છે. આજે નિગમ અને વહીવટી તંત્ર ઉપરાંત માંડવીના પી.આઇ. આર.સી. ગોહિલની આગેવાની હેઠળ સ્થળ પર પહોંચેલી પોલીસની ટીમે પણ હકારાત્મક વલણ અપનાવ્યું હતું. બિદડાના સરપંચ અને ભાજપ પ્રમુખ સુરેશભાઇ સંઘાર, મોટા ભાડિયાના સરપંચ નાગશીભાઇ ગઢવી, તાલુકા કોંગ્રેસના પ્રમુખ ખેરાજભાઇ ગઢવી, એડવોકેટ વલ્લભભાઇ વેલાણી, તા.પં. સદસ્ય ખીમરાજ ગઢવી, પૂર્વ તા.પં. સદસ્ય પુનશીભાઇ ગઢવી, ઉપસરપંચ દેવદાસભાઇ ગઢવી, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. સ્થળ પર નિગમના ના.કા.ઇ. ડી. કે. ચૌધરી, સર્કલ ઓફિસર યુવરાજસિંહ ગોહિલ, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ તુષાર વ્યાસ, બિદડાના તલાટી રાહુલ મોદીએ પંચરોજ કામ કર્યું હતું. કિસાન અગ્રણી પુનશી વેલાભાઇ, કરશન ભારૂભાઇ રાજણભાઇ સહિતનાઓએ આ સમાધાનને આવકારી સંબંધિતો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer