કોરોના સંક્રમણ ઘટતાં પશ્ચિમ કચ્છના મુખ્ય મથક નખત્રાણાનું જનજીવન ધબક્યું

કોરોના સંક્રમણ ઘટતાં પશ્ચિમ કચ્છના મુખ્ય મથક નખત્રાણાનું જનજીવન ધબક્યું
નખત્રાણા, તા. 15 : છેલ્લા દોઢેક વર્ષથી વિકરાળ સ્વરૂપ ધારણ કરેલી વૈશ્વિક મહામારી કોરોનાનું કચ્છમાં સંક્રમણ ઘટતાં તેમજ સરકારના નિયંત્રણો હળવાં બનતાં પશ્ચિમ કચ્છના મુખ્ય મથક સમા આ શહેરનું જનજીવન ધબકવા લાગ્યું છે.અહીંના એસ.ટી. ડેપો દ્વારા મોટાભાગના રૂટો પર બસો શરૂ કરાતાં તેમજ જિલ્લા બહારની બસો ચાલુ થતાં પ્રવાસીઓની અવર-જવરથી બસ સ્ટેશન ધમધમી રહ્યું છે સાથે સાથે ધંધા-રોજગાર શરૂ થતાં બજારમાં રોનક દેખાવાની સાથે પશ્ચિમ કચ્છના તીર્થસ્થળો, યાત્રાધામો ખૂલી જતાં બહારના પ્રવાસીઓની અવર-જવર થકી ખાણીપીણીના ધંધાર્થીઓની આવક શરૂ થઈ છે.એપ્રિલ-મે માસમાં દોઢેક મહિનો કોરોનાની મહામારીના કારણે સ્વૈચ્છિક લોકડાઉન હોતાં તેમજ એસ.ટી. બસો બંધ રહેતાં ધંધા-રોજગારને માઠી અસર થઈ હતી. ગ્રામ્ય વિસ્તારના એસ.ટી. રૂટો શરૂ થતાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી હટાણું માટે બજારમાં ગ્રાહકો દેખાતાં વેપારીઓ ખુશ થયા છે. કોરોનારૂપી બલાના કેસો ઘટતાં ખાસ કરીને નાસ્તાની રેંકડીઓ, રેસ્ટોરેન્ટો, હોટલો, લોજ વિ. સરકારની ગાઈડલાઈન મુજબ શરૂ થતાં ખાણીપીણીના શોખીનોની સવાર-સાંજ નાસ્તાના સ્થળે ચહલપહલ વધી છે. માતાના મઢ, નારાયણ સરોવર, હાજીપીર જતા યાત્રિકો અચૂક ચા-પાણી, નાસ્તા માટે અહીં ઊભે છે. આથી બસ સ્ટેશન, વથાણ વિસ્તારમાં પણ રોનક દેખાવા લાગી છે. છેલ્લા દોઢેક વર્ષથી કોરોનાની મહામારીના કારણે લોકડાઉન સર્જાતાં ધંધા-રોજગાર બંધ રહેતાં લોકોને આર્થિક રીતે પણ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો, પરંતુ ધંધા-રોજગાર, વાહનવ્યવહાર શરૂ થતાં ફરી જનજીવન ધબકવા લાગ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે લગ્નસરાની સિઝન સાથે સમૂહલગ્નો, કથાના કાર્યક્રમો, મેળાવડાઓ પણ બંધ રહેલા તેમજ દેશાવર વસતા પરિવારો માદરે વતન ન આવતાં ગામડાઓ ભરવૈશાખે સૂના લાગતા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer