ગાંધીધામ-અંજાર પંથકમાં ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ કરાશે

ગાંધીધામ-અંજાર પંથકમાં ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ કરાશે
ગાંધીધામ, તા. 15 : અંજાર પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી ટ્રાફિક સલાહકાર સમિતિ તથા સંકલન સહ ફરિયાદની બેઠકમાં ટ્રાફિક, પેટ્રોલિંગ, દબાણો, વીજ જોડાણ, રસીકરણ વગેરે અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. અંજાર પ્રાંત કચેરી ખાતે યોજાયેલી કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક સલાહકાર સમિતિની આ બેઠકમાં અંજારની યોગેશ્વર ચોકડી પાસેના ટ્રાફિક બાબતના જાહેરનામાની અમલવારી કરાવવી, કાળા કાચવાળી ગાડીઓના કાચ કઢાવવા, શહેરી, ગ્રામ્ય વિસ્તારોમાં માસ્ક વગર ખુલ્લેઆમ ફરતા લોકોને પકડી દંડ ફટકારવો, પેટ્રોલિંગ વધારવું, નંબર પ્લેટ વગરના વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવી તેમજ ઓવરલોડ વાહનો પકડવા પ્રાંત અધિકારી ડો. વી.કે. જોશીએ સૂચના આપી હતી. આ બેઠકમાં અંજાર નાયબ પોલીસ વડા ડી.એસ. વાઘેલા તથા અંજાર, ગાંધીધામ પોલીસ મથકોના પી.આઈ. ઉપસ્થિત રહ્યા હતા.સંકલન સહ ફરિયાદની બેઠકમાં કોરોનાની ત્રીજી લહેર બાબતે જાગૃતતા રાખવી, અંજાર, ગાંધીધામ તાલુકામાં આવેલી સરકારી, ખાનગી હોસ્પિટલોએ ફાયર એન.ઓ.સી. મેળવેલી છે કે કેમ તે બાબતે ચકાસણી કરવી, ગાંધીધામ, અંજાર તાલુકાની સરકારી જમીનો ઉપર થયેલા દબાણોમાં વીજ તંત્રે વીજજોડાણ આપેલા હોય તો તે રદ કરવા હુકમ કરવામાં આવ્યો હતો. આવી જમીનો ઉપર આપવામાં આવેલા વીજ જોડાણ કાપી નાખવા કેટલાક વર્ષોથી આદેશ આપવામાં આવે છે, પરંતુ આ અંગે નક્કર કાર્યવાહી ન થતી હોવાનું જાણવા મળ્યું હતું. ટપ્પર ગામમાં પીવાના પાણીનો જે પ્રશ્ન છે તેનો નિકાલ તાત્કાલિક નિવેડો લાવવા, અંજારના ખડિયા વિસ્તારની બાજુમાં કચરાના નિકાલની વ્યવસ્થા કરવા તથા સુજલામ સુફલામ યોજના અંતર્ગતના બાકી રહેલા કામો તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. એટીવીટીના ગત વર્ષના આયોજનના જ કામો બાકી છે તે પણ તાત્કાલિક પૂર્ણ કરવા તથા ગાંધીધામ, અંજાર તાલુકાના કોઈ પણ કર્મચારી કે લોકો રસીકરણ વગર બાકી ન રહી જાય તે માટે વ્યવસ્થિત આયોજન કરવા આદેશ આપવામાં આવ્યો હતો. અંજારના વરસામેડી નાકા પાસે આવેલા મહિલા શૌચાલય આગળ ઊભી રહેતી રેંકડીઓનું દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. સંકલન સહ ફરિયાદની બેઠકમાં અગાઉ ગાંધીધામ તાલુકાના કુપોષિત બાળકોને દત્તક લેવા, નવી આંગણવાડીઓ બનાવવા, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના દબાણો હટાવવા વગેરે પ્રશ્નોની ચર્ચા થતી હતી, પરંતુ ધીમે ધીમે આવા પ્રશ્નો યાદીમાંથી નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer