મેલેરિયા માસ અંતર્ગત ગાંધીધામ તાલુકામાં લોકોને કરાયું માર્ગદર્શન

મેલેરિયા માસ અંતર્ગત ગાંધીધામ તાલુકામાં લોકોને કરાયું માર્ગદર્શન
ગાંધીધામ, તા. 15 : જૂન માસ મેલેરિયા માસ અંતર્ગત આ તાલુકાના લોકોને એન્ટિલાર્વલ અને સર્વેલન્સ કામગીરી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રામબાગ હોસ્પિટલનાં આરોગ્ય સ્ટાફ દ્વારા લોકોના ઘરે જઇ આ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઘરમાં ફ્રીઝની ટ્રે નિયમિત સાફ રાખવી, એરકન્ડિશનના પાણીનો યોગ્ય નિકાલ કરવો, પક્ષીકુંજનું પાણી નિયમિત બદલતા રહેવું, ઢોર માટેના હવાડા સાફ રાખવા, ફૂલદાનીમાં પાણી ભરાયેલું ન રહે તેની ખાતરી કરવી, પાણીનાં ટાંકાના ઢાંકણા હવાચુસ્ત રાખવા, આવા ટાંકાઓ ઉપર કપડું ઢાંકી પછી ઢાંકણ બંધ કરવું, ડબલા કે ડબલી, પૈડાંમાં વરસાદી કે અન્ય પાણી ન ભરાય તેનું ધ્યાન રાખવું, પ્લાસ્ટિકના કપને તોડી તેનો યોગ્ય નિકાલ કરવો, નાળિયેરની કાચલીનો નિકાલ કરવો, ઘરની આસપાસ વરસાદી પાણી ન ભરાય તેનું ધ્યાન રાખવું, અઠવાડિયામાં એક દિવસ ડ્રાય ડે (સૂકો દિવસ) તરીકે ઊજવી ટાંકા વગેરે બરોબર સાફ કરવા, ટાંકા કે અન્ય જગ્યાએ પોરા દેખાય તો ખાવાનું તેલ અથવા બળેલું ઓઇલ નાખવું, નજીકના સરકારી દવાખાનામાં ગપ્પી ઉછેર કેન્દ્રમાંથી ગપ્પી માછલી લઇ ભરાયેલા રહેતા પાણીમાં તે નાખવી વગેરે માર્ગદર્શન લોકોને આપવામાં આવ્યું હતું. તાવ આવે તો લોહીની તપાસ કરાવી જરૂરી દવા લેવી. મચ્છરદાનીમાં સૂવાની ટેવ પાડવી, બહારથી આવતા શ્રમિકોનો મલેરિયા ટેસ્ટ કરાવી આરોગ્ય વિભાગને તેની ચોક્કસ જાણ કરવી વગેરે માહિતી પણ લોકોને આપવામાં આવી હતી. તાલુકા આરોગ્ય અધિકારી દિનેશ સુતરિયાના માર્ગદર્શન હેઠળ વિનોદભાઇ ગેલોતર, ચેતનાબેન જોશી, મેડિકલ અધિકારીઓ, મેલેરિયા વર્કર્સ વગેરે દ્વારા આ કામગીરી કરાઇ રહી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer