કપરાકાળમાં બહેનો કમાણી કરી ઘરમાં મદદરૂપ થાય તેવું ગાંધીધામમાં સેવાકાર્ય

કપરાકાળમાં બહેનો કમાણી કરી ઘરમાં મદદરૂપ થાય તેવું ગાંધીધામમાં સેવાકાર્ય
ગાંધીધામ, તા. 15 : અહીંની સેવાભાવી સંસ્થા ગાંધીધામ સિંધી યૂથ સર્કલ દ્વારા હાલના કોરોનાના કપરા કાળમાં બહેનો કમાણી કરીને ઘરમાં મદદરૂપ થાય તેવા હેતુથી એક માસ્ક સિલાઇ અભિયાન આદરાયું છે. જેમાં પછાત -વિકલાંગ મહિલાઓને જોડીને માસ્ક સીવડાવવામાં આવ્યા છે. સંસ્થાની યાદીમાં જણાવ્યા પ્રમાણે આ સિલાઇ અભિયાનના પ્રથમ તબક્કે જરૂરતમંદ મહિલાઓ પાસેથી સાદાં માસ્ક સીવડાવવામાં આવ્યા હતા. હજુ પણ આગામી દિવસોમાં ડબલ લેયર્સ તથા થ્રીડી માસ્ક સીવડાવવાનું આયોજન છે.ઉષાબેન ગોસ્વામી તથા નૈષિધિબેન અંજારિયાના માર્ગદર્શન તળે તૈયાર થયેલા માસ્કમાંથી એક કિટ તૈયાર કરાઇ હતી. જેમાં બે મેડિકલ જેનરિક વી-2 અને ફ્રેબ્રિક એમ ચાર માસ્કનો સમાવેશ થાય છે. આ કિટ રૂા. 51ના ડોનેશનથી વિતરિત થશે. કોરોના ગાઇડ લાઇન સાથે સંસ્થાના મમ્મી-દાદા ભવન ખાતેથી અભિયાનનું સંચાલન કરાય છે. હજુ પણ આ સંસ્થા દ્વારા ભવિષ્યમાં જરૂરતમંદ મહિલાઓને સિલાઇ મશીન આપવાં, આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ બહેનો માટે અથાણાં-પાપડ બનાવવા આયોજન વિચારાયું છે. આ અભિયાનમાં રસ ધરાવનારી મહિલાઓએ સંસ્થાના લલિત ધલવાણી, તરૂણાબેન ભોજવાણી, પરમાનંદ મનવાણીનો સંપર્ક  કરવા જણાવાયું છે. માસ્ક અભિયાનમાં અજય ગુપ્તા, યમન ડુનેજા, નિખિલ લકવાણીનો સહયોગ મળ્યો હતો.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer