રસી લીધા બાદ મૃત્યુને સરકારી પુષ્ટિ

નવી દિલ્હી, તા. 15 : ભારતમાં કોરોનાની રસી લગાવ્યા બાદ પહેલા મોતની સરકારી પુષ્ટિ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી એક સમિતિના અહેવાલમાં બહાર આવ્યું છે કે વેક્સિન લીધા બાદ 68 વર્ષના એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે દેશમાં રસી લીધા બાદ 488 જણનાં મોત થયા હોવાના અને 26000ને આડઅસર થઈ હોવાના હેવાલ છે.રસી લીધા બાદ ગંભીર બીમારી થાય કે મૃત્યુ થાય તેને વૈજ્ઞાનિક ભાષામાં એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન (એઈએફઆઈ) કહેવાય છે. કેન્દ્રની સમિતિએ રસી લીધા બાદ 31 મૃત્યુની તપાસ કરી હતી અને પછી 68 વર્ષના એક જણનું એક પ્રકારના એલર્જીના રિએક્શન એનાફિલેક્સીસને લીધે મૃત્યુ થયું હોવાને પુષ્ટિ આપી હતી એમ મીડિયા હેવાલોમાં જણાવાયું છે. એઈએફઆઈના અધ્યક્ષ ડો.એન.કે.અરોડાએ મોતને પુષ્ટિ આપી છે પણ વધુ કંઈ કહેવાનો ઈન્કાર કર્યો છે. જો કે,એવા હેવાલ છે કે રસીને કારણે વધુ ત્રણ મૃત્યુ થયા છે પણ તેને સરકારી સમર્થન મળ્યું નથી. સમિતિએ જે 31 મૃત્યુની તપાસ કરી તે પૈકી 18માં મોતને રસીકરણ સાથે કોઈ સંબંધ નીકળ્યો નહોતો. 16 અને 19 જાન્યુઆરીના જેમનું રસીકરણ થયું એવી વધુ બે વ્યક્તિનું પણ વેક્સિનને કારણે એલર્જીથી મૃત્યુ થયું હોવાનું કહેવાય છે. દેશમાં 7મી જૂન સુધી 23.7 કરોડ જણને રસી અપાઈ ચૂકી છે અને એક મીડિયા હેવાલ મુજબ 16 જાન્યુઆરીથી 7મી જૂન સુધી રસી લીધા બાદ 488 જણનાં મોત થઈ ચૂક્યા છે તો 26000ને એલર્જી સહિતની આડઅસર થઈ હતી. અલબત્ત રસી લગાવ્યા બાદ આડઅસર અને મૃત્યુની ટકાવારી 0.1 ટકાથી પણ ઓછી છે અને રસીના બે ડોઝ લીધા બાદ કોરોનાથી મૃત્યુની સંભાવના અત્યંત ઘટી જાય છે ત્યારે તમામ નિષ્ણાતો રસી અચૂક લેવાની સલાહ આપે છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer