ચાર તાલુકામાં કોરોનાના છ કેસ : 38 સાજા થયા

ભુજ, તા. 15 : કચ્છમાં કોરોનાનું સંક્રમણ હવે ટાઢું પડી રહ્યું હોય તેમ જિલ્લાના 10 પૈકીના છ તાલુકામાં કોરોનાનો એક પણ કેસ ન નોંધાતાં મળેલી રાહત વચ્ચે ચાર તાલુકામાં 6 સંક્રમિતો વધ્યા તેની સામે 38 દર્દીઓ સાજા થયા હતા. મૃત્યુઆંક સ્થિર રહેવા સાથે મ્યુકોરમાઇકોસીસનો નવો કેસ ન નોંધાતાં રાહતનો વ્યાપ વધુ વિસ્તર્યો હતો.લાંબા સમયથી હોટસ્પોટ બનેલા ભુજ-ગાંધીધામ કરતાં માંડવી-મુંદરામાં સર્વાધિક 2-2 કેસ નોંધાયા હતા. જ્યારે  ભુજ-ગાંધીધામમાં 1-1 કેસ નોંધાયો હતો. માંડવીમાં સૌથી વધુ 9 તો અબડાસામાં 8, અંજારમાં 4, ભચાઉમાં 2, ભુજમાં 5, ગાંધીધામમાં 2, મુંદરામાં 1, નખત્રાણામાં 4 અને રાપરમાં 3 દર્દી સાજા થયા હતા. જિલ્લામાં સક્રિય કેસ ઘટીને 300થી નીચે 274ના આંકે પહોંચતાં જિલ્લાનો કોરોના રિકવરી રેટ વધીને લગભગ ચાર માસ પછી 97 ટકાના આંકે પહોંચ્યો છે.કુલ પોઝિટિવ કેસનો આંક 12521 અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા 12135 પર પહોંચી તો મૃત્યુ આંક 282ના આંકે સ્થિર રહ્યો હતો.જિલ્લાના શહેરી વિસ્તારમાં 4 અને ગ્રામ્ય વિસ્તારમાં 2 કેસ નોંધાયા હતા. 18થી 44 વર્ષમાં 4415 અને 45 વર્ષથી વધુમાં 1649 મળી 6064 લોકોને રસી અપાઇ તે સાથે રસી લેનારા લોકોની કુલ સંખ્યા 3.58 લાખે પહોંચી ગઇ છે. ભુજમાં સર્વાધિક 80,000 લોકોને જ્યારે સૌથી ઓછા 9900 લોકોને લખપતમાં રસી આપવામાં આવી છે. જિલ્લામાં 3662ની ક્ષમતા સામે 3235 બેડ કોવિડ હોસ્પિટલમાં ખાલી છે, જેમાં 1343 સાદા, 1719 ઓક્સિજન અને 176 વેન્ટિલેટર-બાયપેપવાળા બેડનો સમાવેશ થાય છે. જિલ્લામાં હજુ 73 દર્દીઓ વેન્ટિલેટર તો 244 દર્દી ઓક્સિજન પર સારવાર હેઠળ હોતાં તેમની સ્થિતિને થોડી ગંભીર ગણાવાઇ રહી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer