નર્મદા લાઈનમાં ક્ષતિ સમયે 40 ટકા રાહતરૂપ બનશે ધોળાવા ટાંકો

ભુજ, તા. 15 : શહેર સુધરાઈ પાણી સમસ્યાને લઈને ગંભીર બની હોય તેમ એક-બાદ એક આયોજન હાથ ધરાઈ રહ્યા છે.જેમાં તમામ બોરનું પાણી ધોળાવા સમ્પે એકત્ર કરી ભૂજિયા સમ્પે અને ત્યાંથી શિવકૃપા ટાંકે પહોંચાડવાનું કામ આગળ ધપી રહ્યું છે.અમૃત યોજના હેઠળના આ આયોજનને પગલે તાજેતરમાં જ અંજારથી નર્મદાના નીર ખોરવાયા હતા, જો તેવી પરિસ્થિતિ ઉદભવે તો ઉપરોકત ટાંકામાં અનામત રહેલું પાણી 50 ટકા જેટલું રાહતરૂપ બની શકશે. આ અંગે માહિતી આપતા ભુજ સુધરાઈના કારોબારી ચેરમેન જગત વ્યાસનો સંપર્ક સાધતા જણાવ્યું કે, અગાઉ માધાપરની લાઈન વાટે જે પાણી પહોંચતું હતું તે જૂની લાઈન કાપી ધોળાવા સમ્પથી લગભગ 9 કિ.મી. જેટલી નવી લાઈન ભૂજિયા સમ્પ સુધી પાણી પહોંચાડાશે. જો કે, વચ્ચે આવતા રેલવે ક્રોસિંગની મંજૂરીની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને સંભવત: આઠેક દિવસમાં મળી જાય તેવી શકયતા છે. ભૂજિયાથી એકસપ્રેસ લાઈન મારફતે શિવકૃપા ટાંકે પાણી પહોંચાડાશે. જે લાઈનનું કામ ચાલી રહ્યું છે. 13 બોરનું મળી પાંચ એમએલડી પાણી ધોળાવા સમ્પે 20 લાખ લિટરની ક્ષમતાના ટાંકામાં એકત્ર કરાશે. ટાંકો તૈયાર થઈ ગયો છે અને પંપ હાઉસનું કામ ચાલી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂની લાઇન ખરાબ થઇ ગઇ હોવાથી અને તેમાં અમુક વાડી માલિકોએ જોડાણો લઇ લીધા હોવાથી ભુજિયા સુધી પૂરતું પાણી પહોંચી શકતું નહોતું. જો કે, એ લાઈન પણ યથાવત રખાશે જેથી ઉપરોકત લાઈનમાં ક્ષતિ સર્જાય તો જૂની લાઈન ઉપયોગમાં આવી શકે. આ ઉપરાંત ચંગલેશ્વર ખાતે ઓવર હેડ ટેન્કની ટી.એસ.આવી ગઈ છે. જેથી એ કામ પણ ટુંક સમયમાં શરૂ થશે. ઉપરોકત લાઈન મારફતે ભૂજિયા તેમજ ચંગલેશ્વર ટાંકે પણ પાણી પહોંચાડી શકાશે તેવું શ્રી વ્યાસે ઉમેર્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer