નખત્રાણામાં માસ્કના દંડની પાવતીમાં ન સહી, ન તારીખ !

નખત્રાણા, તા. 15 : તાજેતરમાં માસ્કના નામે નખત્રાણાના વેપારીઓને પોલીસ દ્વારા વગર વાંકે થતા દંડની કાર્યવાહી, વારંવાર કનડગતથી વેપારીમંડળ, ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ એમ. જાડેજાને સાથે રાખી નખત્રાણા ખાતે પોલીસ અધિકારીને મળી ઉપરોકત બાબતે ફરિયાદ કરી હતી અને એસ.પી. દ્વારા પોલીસ દ્વારા કોઇ કનડગત નહીં થાય તેવી ખાતરી આપવામાં આવી હતી. તેમ છતાં આજે મંગળવારે પશ્ચિમ કચ્છના એસ.પી. શ્રી સૌરભસિંઘ તાલીમમાં જતાં નખત્રાણા વેપારીઓની ફરિયાદના પગલે નારાજ થયેલા પોલીસવાળા પૂર્વગ્રહ રાખી આજે ફરી પાછા માસ્કના  નામે પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. તેમાં પાછી નવાઇની વાત એ છે કે, રૂા. 1000ના દંડની આજે પાવતી આપવામાં આવી તેમ વસૂલ કરનારની કોઇ સહી નથી, એટલું જ નહીં તારીખ પણ લખવામાં નથી આવી તેમજ વસૂલ કરનાર કોણ છે તે પણ બજારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. અધિકારીની સૂચનાને પોલીસ ઘોળીને પી જાય છે. સહી-તારીખ વગરની પાવતી કેમ આપવામાં આવી તે પણ તપાસનો વિષય છે.હવે વેપારીમંડળના અગ્રણીઓ, હોદ્દેદારોએ આઇ.જી, ગૃહપ્રધાન, મુખ્યમંત્રી, ધારાસભ્યને સાથે રાખી આ અંગે રજૂઆત કરવામાં આવશે તેવું નક્કી કરી નિર્ણય લીધો છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer