લુણવામાં વધુ એક કેબલચોરીનો બનાવ બહાર આવતાં ચકચાર

રાપર, તા. 15 : ભચાઉ તાલુકાના લુણવામાં વાડીમાંથી એક મહિના જૂના રૂા. 2.32 લાખની કિંમતના કેબલની ચોરીનો બનાવ બહાર આવ્યા બાદ આજે પોલીસ મથકે એ જ વિસ્તારમાં અન્ય વાડીમાંથી વધુ એક લાખોની કિંમતના કેબલની તસ્કરીનો બનાવ બહાર આવ્યો હતો. લુણવા વિસ્તારમાં કેબલચોરીના બનેલા બનાવના પગલે લોકોમાં ચકચાર પ્રસરી છે.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ  લુણવા સીમમાં આવેલી વાઘજીભાઈ દેવકરણભાઈ આહીર અને સાહેદની વાડીમાં  તસ્કરોએ ગત તા. 13ના રાત્રિ વચ્ચે કેબલચોરીના આ બનાવને અંજામ આપ્યો હતો. વાડીમાં સ્કાય સોલાર પ્રોજેકટના કુલ સાત કનેકશન લેવામાં આવ્યા હતા.  રાત વચ્ચે ત્રાટકેલા તસ્કરો તમામ સાત જોડાણમાંથી કેબલ કાપીને ચોરી ગયા હતા. વાઘજીભાઈની  વાડીમાંથી 25 મીટરનો એ.સી. કોપર કેબલ અને ડી.સી. કેબલ તેમજ સાહેદ વિજયભાઈ ગામીની વાડીમાંથી રૂા. 3.17 લાખની કિંમતના કોપર કેબલ સહિત રૂા. 6.95 લાખની કિંમતના કેબલની ચોરી કરી નાસી ગયા હતા. વાડીમાં કામ કરતા ફરિયાદી રવજીભાઈ ઘેલાભાઈ મકવાણા ગત તા. 14ના સવારના વાડીમાં તપાસ કરતાં કેબલચોરીનો આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. એક મહિનાના ગાળામાં વાડી વિસ્તારમાંથી જુદા-જુદા બે બનાવમાં રૂા. 9.27 લાખની કિંમતના સોલાર કનેકશનના કેબલની તસ્કરી થતાં કોઈ ચોક્કસ તસ્કર ટોળકી સક્રિય થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ભચાઉ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer