પૂજારાનો બચાવ કરતો સચિન

નવી દિલ્હી, તા. 15 : પૂર્વ મહાન બેટ્સમેન અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું માનવું છે કે ચેતેશ્વર પૂજારાની બેટિંગ શૈલી ભારતીય ટીમની સફળતાનું અભિન્ન અંગ છે. સચિન કહે છે કે પૂજારાની ટીકા એવા લોકો કરે છે કે જેમણે તેના (પૂજારા) જેવી સિધ્ધિઓ મેળવી નથી. સચિને એક મુલાકાતમાં ચેતેશ્વર પુજારાની બેટિંગ શૈલીની ટીકા કરનારાઓને આડે હાથ લીધા હતા અને ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલ વિશે પણ વાત કરી હતી.સચિને જણાવ્યું કે પૂજારાને લઇને આ દૃષ્ટિકોણ ખોટો છે. તેણે દેશ માટે જે સફળતા હાંસલ કરી છે તેની સરાહના થવી જોઇએ. હંમેશા તેની સ્ટ્રાઇક રેટ પર વાત થવી જોઇએ નહીં. ટેસ્ટ ક્રિકેટમાં આપને ટીમની જરૂરિયાત અનુસાર અને સ્થિતિ પ્રમાણે બેટિંગ કરવાની હોય છે. આ વસ્તુ હાથની પાંચ આંગળી જેવી છે. દરેક આંગળીની અલગ અલગ ભૂમિકા હોય છે. પુજારા આપણી ટીમનું અભિન્ન અંગ છે. તેણે ભારતીય ટીમ માટે જે કર્યું તે મને પસંદ છે. તેની દરેક ઇનિંગનું પૃથક્કરણ કરવા કરતા તેની સરાહના કરવી જોઇએ.સચિન કહે છે કે જે લોકો ચેતેશ્વરની ટેકનીક અને રન બનાવવાની ક્ષમતા પર સવાલ ઉઠાવે છે, તે લોકોએ મને નથી લાગતું કે પૂજારા જેટલું ક્રિકેટ રમ્યું હોય. સચિનનું માનવું છે કે ટી-20ને લીધે નજરિયો બદલાયો છે. આજના ક્રિકેટમાં જે ખેલાડી હિટીંગ કરે છે તેને સારો બેટ્સમેન માનવામાં આવે છે, પણ એવું નથી. ફટકાબાજ બેટધર સારો હોય તે જરૂરી નથી. ભારત પાસે સ્ટ્રાઇક રેટ વધારે તેવા ઋષભ પંત અને રવીન્દ્ર જાડેજા જેવા ખેલાડી છે, પણ વિરોધી ટીમના બોલરોને થકાવી દેવા માટે ચેતેશ્વર પૂજારા જેવા બેટધરની જરૂર પડે છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer