ધોળાવીરા જમીન સંપાદન વળતરનો મુદ્દો 16 વર્ષેય અનિર્ણિત

રાપર, તા. 15 : હડપ્પન સંસ્કૃતિના અવશેષો જ્યાં સચવાયેલા છે અને તેના થકી કચ્છને વૈશ્વિક કક્ષાએ નામના મળી છે તે ધોળાવીરાને નજીકના જ સમયમાં વર્લ્ડ હેરિટેજ સાઈટના દરજ્જાની  સત્તાવાર જાહેરાત થશે, પરંતુ  ઉત્ખનન માટે જમીન આપનારા આ વિશ્વવિખ્યાત સ્થળના ખડૂતોને સંપાદિત થયેલી જમીનના વળતરનો મુદ્દો દોઢ દાયકા કરતાં પણ વધુ સમયથી અનિર્ણિત રહેતાં તેઓની હાલત ભારે કફોડી બની છે. આ  મામલે વ્યાપક રજૂઆતો છતાંય કોઈ કાર્યવાહી ન કરાતાં ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો ત્વરિત કાર્યવાહી ઈચ્છી રહ્યા છે. આ અંગે મળતી વિગતો મુજબ વર્ષ 2005માં જિલ્લા કલેકટર મારફત જમીન સંપાદિત કરવામાં આવી હતી. કુલ 74.15 એકર જમીન  ખેડૂતોની લેવામાં આવી છે  અને એક એકરના 3646 ચૂકવવામાં આવ્યા હતા. આ વળતર  મામૂલી હોવાથી 20  જેટલા ખેડૂતોએ સ્વીકાર્યું ન હતું અને આજે પણ કલેકટર કચેરીમાં વળતરની આ રકમ  જમા છે. વર્ષ 2020માં ખેડૂતો દ્વારા આ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમાં જણાવ્યા પ્રમાણે ખેડૂતો માટે ખેતીની જમીન એક માત્ર આજીવિકાનું સાધન હતું. જમીન સંપાદન થતાં ઘણા ખેડૂતો  ખેડૂત ખાતેદાર પણ રહ્યા નથી  અને દોઢ દાયકા કરતાં પણ વધુ સમયથી આજે પણ રોજીરોટી માટે વલખાં મારી રહ્યા છે. જમીન સંપાદન થવાના કારણે પશુઓ પણ વેચવાની નોબત આવી છે.  ખેડૂતો જમીનના બદલામાં જમીનની માગણી કરી રહ્યા છે. ધોળાવીરાની બાજુમાં જંગલ ખાતા હસ્તકની વ્યાપક જમીન ફાજલ પડી છે. સરકારના નિયમ મુજબ પટની રકમ ભરવા પણ ખેડૂતોએ તૈયારી દર્શાવી છે. સંપાદન કરવામાં આવેલી જમીનનો કબજો હાલ ખેડૂતોને સોંપવામાં આવે અને જ્યારે પુરાતત્ત્વ વિભાગને જમીનની જરૂર પડે ત્યારે કામ કરે અને તેનું પૂરું વળતર પુરાતત્ત્વ વિભાગ દ્વારા ચૂકવવામાં આવે. આ માટે લેખિતમાં બાંહેધરી આપવા  તૈયારી દર્શાવી છે અથવા ઊંચું વળતર ચૂકવી ખેડૂતોના વારસદારોને સાઈટ ઉપર નોકરીમાં રાખવા માંગ કરાઈ છે. 16 વર્ષથી જમીનમાં ખેડૂતો વાવેતર કરી શકયા ન હોવાથી તેની નુકસાનીનું વળતર  આપવા પણ માંગ કરાઈ છે. સરકાર દ્વારા જે મામૂલી વળતર ચૂકવવામાં આવ્યું છે તેનાથી જમીન ખરીદી શકાય તેમ નથી.  આ માંગ અંગે પણ આજ દિન સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. આ જમીન ઉપર હજારો વર્ષ જૂની સંસ્કૃતિ નીકળી અને આ સ્થળ વર્લ્ડ હેરિટેજ સાઈટ બનવા જઈ રહ્યું છે તે બદલ ખુદ આ ખેડૂતો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. ઉત્ખનન શરૂ થયું ત્યારે ખેડૂતોને રોજગારી મળતી હતી, પરંતુ 2005માં ઉત્ખનન બંધ થયું ત્યાર બાદ જમીન પુરાતત્ત્વ ખાતાએ કલેકટર મારફત ખેડૂતો પાસે લઈ લીધી છે.  ખેડૂતોના હિતમાં તુરંત કાર્યવાહી થાય તેવી માંગ પ્રબળ બની છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer