ચોમાસાંની ગતિ ધીમી પડી : કચ્છે વરસાદની રાહ જોવી પડશે

ભુજ, તા. 15 : હવામાન વિભાગે કચ્છ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં ત્રણ દિવસ પવન અને ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસવાની આગાહી કરી છે. જોકે, નૈઋત્યના ચોમાસાની ગતિ ધીમી પડતાં કચ્છે વરસાદના સત્તાવાર આગમન માટે હજુ વાટ જોવી પડશે તેવી સંભાવના પણ હવામાન નિષ્ણાતો દ્વારા વ્યકત કરવામાં આવી છે.નૈઋત્યનું ચોમાસું તેના નિયત સમયથી વહેલું વલસાડ-સુરતથી પહોંચી આવ્યા બાદ તેની ગતિ અવરોધાઇ ગઇ છે. વધુમાં વરસાદ તાણી લાવે તેવી સક્રિય સિસ્ટમ આગામી ચાર-પાંચ દિવસ સુધી સર્જાય તેવી શક્યતા નહિવત હોતાં કચ્છમાં 15થી 20 જૂન વચ્ચે વરસાદનું આગમન થાય તેવા દેખાડાયેલા વર્તારા કરતાં વરસાદનું આગમન થોડું મોડું થાય તેવી સંભાવના હોવાનું ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારે વિગતો આપતાં જણાવ્યું હતું. જોકે, લોકલ એકટીવીટી તેમજ વાતાવરણમાં રહેતા ભેજના લીધે પ્રિ-મોન્સુન એકટીવીટીના ભાગરૂપે છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસવાની શક્યતા છે. દરમિયાન જિલ્લામાં બફારા-ઉકળાટનો દોર યથાવત રહ્યો છે. કંડલા પોર્ટમાં મહત્તમ પારો  ફરી 40.1 ડિગ્રીએ  પહોંચતાં અમદાવાદ, સુરેન્દ્રનગર બાદ કંડલા પોર્ટ રાજ્યનું ત્રીજા નંબરનું ગરમ મથક બન્યું હતું. ભુજમાં 37, કંડલા (અ)માં 38.2 અને નલિયામાં 35.6 ડિગ્રી મહત્તમ સામે લઘુતમ પારો 28થી 30 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. વરસાદનું આગમન હવે થોડું વિલંબથી થવાની શક્યતા વચ્ચે લોકોને બફારા-ઉકળાટમાંથી ત્વરિત મુકિત મળે તેવા કોઇ અણસાર દેખાતા નથી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer