ટેન્કરમાંથી 21.60 લાખનું તેલ કાઢી,વાહનને પલટાવી, અકસ્માત બતાવ્યો !

ગાંધીધામ, તા. 15 : અંજાર નજીકની એક કંપનીમાંથી રૂા. 29,39,400નું સોયાબીન તેલ ભરી મહેસાણા પહોંચાડવાની જગ્યાએ ટેન્કર ચાલકે આ વાહનમાંથી રૂા. 21,60,000નું તેલ કાઢી બારોબાર વેચી નાખી ગાગોદર-આડેસર વચ્ચે આ ટેન્કરને પલ્ટી ખવડાવી નાખી હતી. આ ટેન્કર ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. અંજાર નજીક આવેલી ઓઝોન પ્રો ક્રોન પ્રા. લિ. નામની કંપનીમાં મૂળ પાટણ, ચાણસ્માનો મનીષકુમાર અમૃત પટેલ નામનો શખ્સ ટેન્કર નંબર જીજે 12 એટી 8394 લઈને ગયો હતો. આ શખ્સ પાસે રહેલા ટેન્કરમાં રૂા. 29,39,400નું 24.294 મેટ્રિક ટન રિફાઈન્ડ સોયાબીન તેલ ભરવામાં આવ્યું હતું. ગત તા. 11/6ના ભરવામાં આવેલું આ તેલ કંપનીની બીજી બ્રાન્ચ મહેસાણા ખાતે પહોંચાડવાનું હતું. આ ટેન્કર ચાલક ટેન્કર લઈને મહેસાણા ખાલી કરવા નીકળ્યો હતો અને બીજા દિવસે ગાગોદર-આડેસર વચ્ચે આ ટેન્કર પલટી ગયું હોવાની જાણ તેણે કંપનીમાં કરી હતી. કંપનીના અધિકારીઓ ત્યાં દોડી જઈ તપાસ કરતાં તેમને શક ગયો હતો. પલ્ટી ખાધેલા ટેન્કરમાં બાકી રહેલું તેલ કાઢી બીજા ટેન્કરમાં ભરવામાં આવ્યું હતું અને આ બીજા ટેન્કરમાં રહેલા તેલનું વજન કરાતાં તેમાં માત્ર 4.350 મેટ્રિક ટન જ તેલ હોવાનું બહાર આવ્યું હતું. આ ટેન્કર ચાલક મનીષ પટેલે રૂા. 21,60,000નું 18 મેટ્રિક ટન તેલ કાઢી લઈ રસ્તામાં બારોબાર તેને વેચી નાખ્યું હતું. આ ટેન્કર ચાલક તથા તેલ ખરીદનારા શખ્સો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ગાંધીધામના ગળપાદર, મીઠી રોહર, ભચાઉની આસપાસ આવી રીતે બારોબાર તેલ કે અન્ય વસ્તુઓ ખરીદી બારોબાર વેચી મારવાના વાડા ધમધમી રહ્યો છે. જો આ અંગે પોલીસ કડકાઈ બતાવે તો અનેક બનાવો બહાર આવવાની શક્યતા સૂત્રોએ દર્શાવી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer