લુણવાની ત્રણ વાડીમાંથી 2.32 લાખના વાયરની સામૂહિક તસ્કરી

ગાંધીધામ, તા. 15 : ભચાઉ તાલુકાના લુણવા ગામની સીમમાં આવેલી ત્રણ જુદી-જુદી વાડીઓમાંથી રૂા. 2,32,000ના 5400 મીટર વાયરની ચોરી કરી નિશાચરો નાસી ગયા હતા. વાયરની આ સામૂહિક ચોરીના પગલે ભારે ચકચાર પ્રસરી હતી.લુણવા ગામમાં રહેતા રામા ભચાભાઈ વરચંદ (આહીર) નામના આધેડ ગામની સીમમાં સર્વે નંબર 139/01માં વાડી ધરાવે છે. આ ફરિયાદી ગત તા. 12/6ના રાત્રે 10 વાગ્યા સુધી પોતાની વાડીએ હતા. બાદમાં ઘરે ગયા હતા અને તા. 13/6ના સવારે પરત પોતાની વાડીએ આવતાં તેમની વાડીમાં ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. તેમની વાડીમાં કોસલ કંપનીના બે સોલાર પાવર જોડાણ લેવામાં આવ્યા છે. આ બે જોડાણમાં 100 એચ.પી. એ.સી.નું 10 એમ.એમ. તથા ડી.સી. જોડાણ આપવામાં આવ્યું છે. આ બંને જોડાણના થઈને 3000 મીટર વાયર નિશાચરોએ કાપી નાખ્યા હતા અને તેની તફડંચી કરી આગળ વધ્યા હતા. બાજુમાં રસીલાબેન જેન્તીલાલ સુરાણીની વાડી આવેલી છે. તેમાં પણ આ જ પ્રકારનું જોડાણ આપવામાં આવ્યું છે. આ વાડીમાંથી પણ તસ્કરોએ 10 એમ.એમ.ના 900 મીટર વાયરની ચોરી કરી હતી. આટલાથી તસ્કરોને સંતોષ ન થતાં બાજુમાં હંસરાજ વિસરામ સુરાણીની વાડીમાં ઘૂસ્યા હતા અને તેમાંથી 1500 મીટર વાયરની  ચોરી કરી હતી. આમ એકીસાથે ત્રણ વાડીઓમાંથી રૂા. 2,32,000ના 5400 મીટર વાયરની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા. ચોરીના આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી હતી અને કોઈ મોટું વાહન લઈને તસ્કરો આવ્યા હોવાની આશંકાને પગલે આગળની તપાસ હાથ ધરી છે. ચોરીનો આવો તમામ માલ ભંગારના અમુક વાડાઓમાં પધરાવાય છે. ત્યારે ગાંધીધામ, ભચાઉના આવા અમુક વાડાઓની તપાસ કરવામાં આવે તો અનેક ચોરીના ભેદ ખુલે તેમ છે, પરંતુ આવી કામગીરી કરવામાં આળસ બતાવાતું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer