મ. પ્રાગમલજીનાં નિધન બાદ રાજ પરિવારના `મોભી'' પોતે છે : પ્રીતિદેવીજી

ભુજ, તા. 15 : રાજપરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાના તાજેતરમાં નિધન બાદ તેમના સ્થાને તેમના લઘુબંધુ હનુવંતસિંહજીને મોભીની તિલકવિધિનેમહારાણી પ્રીતિદેવીએ દુ:ખદ લેખાવીને જણાવ્યું છે કે,પરિવારજનોની અનુપસ્થિતિમાં પરિવારની કોઇ એક વ્યક્તિ મોભી તરીકેની નિમણૂકની પ્રક્રિયા કરી શકે નહીં કારણ કે મહારાવના નિધન બાદ `મોભી' તરીકે પોતે છે.તેમણે અખબારજોગ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજાએ પોતાની હયાતી દરમ્યાન કુટુંબના વડીલની રૂએ કુંવર ઇન્દ્રજિતસિંહ જાડેજા (નલિયા), ઠાકોર કૃતાર્થસિંહ (દેવપર), ઠાકોર મયૂરધ્વજસિંહ (તેરા)ની નિમણૂક કરી છે. તેમના ફરમાનની અમલવારી કરવાની પરંપરા રહી છે. રાજપરિવારના મોભી તરીકે નિમણૂક પરિવારજનોની હાજરી તથા ચોક્કસ પ્રકારની વિધિ ચોક્કસ સ્થળે કરાય છે. સ્વ. મદનસિંહજીના પરિવારમાં તેમના જ્યેષ્ઠ પુત્ર સ્વ. પ્રાગમલજી ત્રીજાનો પરિવાર, મોટા બહેન સ્વ. રાણી નરેન્દ્રકુંવરબા (મોટા બાઇસા)ના પરિવારજનો, અન્ય પુત્ર મા. કુ. સ્વ. ભૂપતસિંહજી, પુત્રી કુંવરાણી  બ્રિજરાજકુંવરબા તથા પુત્ર હનુવંતસિંહનો સમાવેશ થાય છે. પરંતુ મોભીની નિમણૂકમાં પાંચમાંથી ચાર પરિવારજનો અજાણ છે, તેમની સંમતિ લેવાઇ નથી.આ બાબત નિમણૂક પ્રક્રિયા અયોગ્ય અને દુ:ખદ છે તથા પરિવારની એકતાને ઠેંસ પહોંચાડવા સમાન છે, હનુવંતસિંહજી પ્રથમથી જ પરિવારથી વિમુખ રહ્યા છે. તેમણે મોભીપણાના હક્કદાર ન થવું જોઇએ. આ સમાચાર પ્રસિદ્ધ થતાં પરિવારજનોએ દુ:ખ પ્રગટ કર્યું છે એટલું જ નહીં તેને વખોડીને સ્વીકૃતિ આપતા નથી. વળી તેમની ટિપ્પણી નિંદનીય લેખાવી હતી. 

© 2022 Saurashtra Trust