વર્ચ્યુઅલ ભરતી મેળાને નડયું કોરોનાગ્રહણ

ભુજ, તા. 15: કોરોનાના પગલે અનેક ઔદ્યોગિક એકમો બંધ થવા સાથે લોકડાઉન સહિતના અન્ય કડક નિયંત્રણો લદાતાં અનેક પરપ્રાંતીય મજૂરોએ વતન વાપસીની વાટ પકડી હતી ત્યારે કચ્છમાં પણ અનેક પરપ્રાંતીય મજૂરોએ લોકડાઉનની સ્થિતિના લીધે પોતાના વતન ભણી જવા દોટ મૂકી હતી. આ કારણે ઔદ્યોગિક એકમોમાં અટકી પડેલી કામગીરીને પાટે ચડાવવા માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા વર્ચ્યુઅલ ભરતી મેળા યોજવાનું શરૂ કરાયું હતું જો કે છેલ્લા બે માસ કરતાં વધુ સમયથી વર્ચ્યુઅલ ભરતી મેળા યોજવાનું બંધ કરી દેવાયું છે. પૂરતા પ્રમાણમાં રોજગારવાંછુ ઉમેદવારો ન મળતાં હોવાના લીધે  ઉપરાંત અનેક એકમોની ઓપરેશનલ કામગીરી પણ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના કારણે બંધ પડી હોવાથી વચ્યુઅલ ભરતી મેળા યોજી શકાતા ન હોવાની વાત જિલ્લા રોજગાર અધિકારી મહેશ પાલા દ્વારા કરવામાં આવી હતી. રોજગાર અધિકારીએ વધુમાં એવું પણ જણાવ્યું કે આમ છતાં કોઇ કંપની કે ઔદ્યોગિક એકમમાંથી રોજગારવાંછુ યુવકોની  જરૂરિયાતની માંગણી મુકાય તો નાના પાયે ઓનલાઇન ભરતી પ્રક્રિયા હાથ ધરી દેવાય છે. હવે જ્યારે કોરોનાનું સંક્રમણ હળવું પડી રહ્યું છે ત્યારે થોડા જ દિવસોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિનો ધમધમાટ વેગીલો બન્યા બાદ મેનપાવરની જરૂરિયાત ઊભી થતાં પુન: એકવાર વર્ચ્યુઅલ ભરતી મેળા યોજવા સહિતના આયોજનો વેગવંતાં બનશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer