લીલાશા કુટિયાને અંજારના બદલે ગાંધીધામમાં દેખાડી મહેસૂલી રેકર્ડ સાથે ચેડાં કરાયા

ભુજ, તા. 15 : અંજાર-ગાંધીધામની હદ બાબતે અનેકવાર વાદ-વિવાદો ઊભા થતા રહે છે તેવામાં હાલમાં જ્યાં કોવિડ કેર સેન્ટર ઊભું કરાયું હતું એવી લીલાશા કુટિયાને અંજારના બદલે ગાંધીધામમાં દેખાડી મહેસૂલી રેકર્ડ સાથે ચેડાં કરાયાનો આક્ષેપ અંજાર આઇડેન્ટીટી મિશને કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખી માગણી કરી છે.સંસ્થાના મંત્રી ભરત ઠાકરે  કરેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર લીલાશા કુટિયા અંજાર તાલુકાના મેઘપરમાં આવેલી છે છતાં તેને ધરાર રીતે ગાંધીધામ-આદિપુરમાં દેખાડાઇ રહી છે. એક તાલુકાની હદને બીજા તાલુકામાં દેખાડવું વહીવટી ગુનો બને છે, ત્યારે જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે યોગ્ય ખુલાસો કરે તેવી માગણી પણ કરવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, જિ.વિ. અધિકારી હોસ્પિટલની યાદીમાં લીલાશા કુટિયાને ગાંધીધામમાં જ્યારે રસીકરણ કેન્દ્રોની યાદીમાં અંજાર  તાલુકામાં દેખાડે છે, ત્યારે  આવો વિરોધાભાસ શા માટે  તેવો સવાલ પણ સંસ્થા દ્વારા ઉઠાવાયો છે.ઉચ્ચ મહેસૂલી અધિકારી દ્વારા આ પ્રકારની ચૂક કરવામાં આવે તે કેટલા અંશે યોગ્ય છે ? ત્યારે મુખ્ય સચિવ આ બાબતે ઉચિત કાર્યવાહી કરે તેવી માગણી કરવામાં આવી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer