ડીપીટી દ્વારા ગોપાલપુરીમાં 8મા ધોરણ સુધીનું કેન્દ્રીય વિદ્યાલય શરૂ કરાશે

ગાંધીધામ, તા. 15 : અહીંના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની આગામી 18મીએ મળનારી બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા થવાની છે. ડીપીટી દ્વારા ગોપાલપુરી ખાતે 8મા ધોરણ સુધીની કેન્દ્રીય શાળા શરૂ કરવાનો એજન્ડા પણ તેમાં સમાવિષ્ટ છે. ડીપીટી વાડીનાર અને ગાંધીધામ બંને સ્થળે કુલ્લે ચાર શાળા ચલાવે છે. આ શાળાઓમાં બાળકોને શિક્ષણ અપાઇ રહ્યું છે પરંતુ ડીપીટીના કર્મચારીઓ ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ અપાવવા માટે પોતાના બાળકોને અન્ય શાળાઓમાં પ્રવેશ અપાવે છે. લાખોના ખર્ચે ચાલતી શાળાઓનો કર્મચારીના બાળકો ઉપયોગ કરી શકતા નથી. આ કારણથી હવે ગોપાલપુરી સ્થિત ભારતીય વિદ્યા મંદિરને કેન્દ્રીય શાળામાં પરિવર્તિત કરવા તૈયારી આદરાઇ છે. આ માટે તજજ્ઞોએ લીલીઝંડી પણ આપી હોવાથી ડીપીટી બોર્ડ બેઠકમાં આ મુદ્દે અંતિમ નિર્ણય લેવાશે. 18મીની બેઠકમાં કુલ્લે 23 એજન્ડા મૂકાયા છે, જેમાં વાડીનાર-મુંદરા રોરો ફેરી, જેએનપીટી, ન્હાવાશેવા અને ધોધાની ફેરી સેવા વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગાંધીધામ, કંડલા અને વાડીનાર બંદરોએ ડીપીટીના સ્ટાફની થતી બદલીઓની નવી નીતિ નિર્ધારણનો ઠરાવ પણ આ બોર્ડમાં પસાર થશે તેવું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. 

Crime

© 2022 Saurashtra Trust