લખપતમાં પવનચક્કીના નામે દેશી વૃક્ષોનો સોથ વળી રહ્યાની ફરિયાદ

લખપતમાં પવનચક્કીના નામે દેશી વૃક્ષોનો સોથ વળી રહ્યાની ફરિયાદ
માતાના મઢ (તા. લખપત), તા. 10 : લખપત તાલુકામાં પવનચક્કીની કંપનીઓ દ્વારા રોડ-રસ્તા તેમજ વીજપોલની કામગીરીમાં હજારોની સંખ્યામાં વૃક્ષો કાપવામાં આવ્યા છે, જેના કારણે પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું હોવાની ફરિયાદ  ઊઠી છે.સરકાર દ્વારા આ વિન્ડ કંપનીઓને સેંકડો હેક્ટર જમીન 20 વર્ષના ભાડાં પેટે આપવામાં આવી છે, જેમાં સેંકડો પવનચક્કીઓ અહીં લગાવવામાં આવી રહી છે.વિન્ડ કંપનીઓના પેટા કોન્ટ્રાક્ટરો દ્વારા રસ્તાઓ તેમજ વીજપોલની વચ્ચે આવતા દેશી વૃક્ષોને જડમૂળથી ઉખેડવામાં આવી રહ્યા છે.સરકારી નિયમ પ્રમાણે જે જમીન આપવામાં આવી છે, કલેક્ટરના એગ્રીમેન્ટ મુજબ દરેક કંપનીઓને વૃક્ષારોપણ કરવાના હોય છે, વૃક્ષારોપણ કરવાના નિયમોનું પાલન કોઈ પણ કંપની કરતી હોય તેવું દેખાતું નથી તેવું જાગૃત લોકોએ જણાવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કચ્છમાં કરવામાં આવી જેમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સહિત રાજકીય નેતાઓએ હોંશભેર ભાગ લઈ વૃક્ષારોપણ કર્યું હતું પણ લખપત તાલુકામાં પવનચક્કીના પાપે પર્યાવરણનો દિવસ ફરી ગયો છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વૃક્ષો કાપવા બદલ અમુક વિન્ડ કંપનીઓ પર તંત્ર દ્વારા દંડ પણ કરવામાં આવ્યા છે તેવું જાણવા મળ્યું હતું. વૃક્ષછેદન ધારા હેઠળ કાયદેસરનો દંડ કરવામાં આવે છે. એમાં એક વક્ષ્ઊા કાપવા બદલ 50 રૂપિયાથી એક હજાર સુધીની દંડની જોગવાઈ છે પણ તંત્રના અમુક અધિકારીઓ તેમજ કંપનીના અધિકારી દ્વારા ઓછો દંડ કરાય છે તેવું તંત્રના સૂત્રો જણાવી રહ્યા છે. દશકો જૂના દેશી વૃક્ષોને કાપવાના ભાવ ઓછા આંકવામાં આવે છે તેવું સેટિંગ અહીં થઈ રહ્યું છે. 50 ફૂટમાં છાંયડો આપતા વૃક્ષોને કાપવાનો ભાવ 50 રૂપિયા કેમ ઝિંકાય છે તે મોટો પ્રશ્ન છે તેવા સવાલ ઊઠયા હતા. મેઘપર ગ્રામ પંચાયતમાં આવતી ગૌચર જમીન પર વીજપોલ ખોડી લાઈન પસાર થઈ ગઈ છે. ગ્રામ પંચાયત તલાટી દ્વારા બે જેટલી કંપનીઓને આ વીજલાઈનનું દબાણ દૂર કરવા ત્રણ નોટિસો પણ અપાઈ છે તેમ છતાં દબાણ યથાવત્ છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer