`પેડલ પર પૃથ્વી પરિક્રમા'' ફરી એક પારસી દ્વારા...

`પેડલ પર પૃથ્વી પરિક્રમા'' ફરી એક પારસી દ્વારા...
કમલેશ મોતા દ્વારા-  મસ્કા (તા. માંડવી), તા. 10 : 1983ના ગાળામાં ચિત્રલેખા સામયિકમાં લેખક મહેન્દ્ર દેસાઇએ `પેડલ પર પૃથ્વીની પરિક્રમા' નામની દિલધડક ધારાવાહિક લખી હતી, જેમાં છ પારસી યુવાનો મુંબઇથી વિશ્વના પ્રવાસે સાઈકલ પર નીકળ્યા હતા... એ જ ઇતિહાસનું પુનરાવર્તન એક વધુ પારસી ફિરોઝ પાલખીવાલા... જી... હા... મુંબઇના પ્રસિદ્ધ સોલિસીટર નાની પાલખીવાલા પરિવારના સભ્ય એવા ફિરોઝ પાલખીવાલાએ કર્યું છે અને તેઓ પોતાના પ્રવાસ દરમ્યાન બંદરીય શહેર માંડવી પહોંચ્યા અને લોકડાઉનમાં ત્યાં જ રહીને હવે આગળ વધ્યા છે. મુંબઇ હાઇકોર્ટના વકીલ અને મુંબઇના પોશ વિસ્તારમાં સ્વતંત્ર બંગલો-ગાડી સાથેની જાહોજલાલી ધરાવતા આ પારસી સાઈકલસવારને કોરોનામાં લદાયેલા લોકડાઉન દરમ્યાન પ્રકૃતિ તરફનું જૂનું છુપાયેલું આકર્ષણ વધ્યું અને મુંબઇના ભૌતિક સુખ છોડી સાઈકલ લઇને નીકળી પડયા, મુંબઇ ફર્યા, ગોવા ગયા, તાઇવાનમાં 1500 કિ.મી., ઇરાનમાં 2400 કિ.મી. અને તુર્કી-જ્યોર્જિયામાં 2500 કિ.મી.ની સાઈકલયાત્રા કરીને માર્ચ-21માં કેનેડા જવાનું નક્કી કર્યું, પણ કોરોનાએ ફલાઇટો બંધ કરી દેતાં ભારતમાં જ ભ્રમણ કરવાનું નક્કી કર્યું અને તે પણ સાઈકલ પર જ... દેશભરમાં લઘુમતી સંખ્યામાં રહેલા પારસીઓનો કચ્છ સાથેનો નાતો અનેરો છે. બહુ ઓછા યાદ કરે છે પણ કચ્છ જિલ્લા ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના પ્રથમ જિલ્લા પ્રમુખ રુસ્તમજી ડાંગોર પારસી હતી. માંડવીના લોકપ્રિય તબીબ ડો. નૌસીર દસ્તૂર પારસી હતા. આપણા સાઈકલવીર ફિરોઝભાઇ નાની પાલખીવાલા ફિલ્ડ માર્શલ જનરલ માણેકશાના કુટુંબમાંથી આવે છે. પોતે અર્થશાત્રી અને મુંબઇ હાઇકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરે છે. મુંબઇથી સાઈકલ પર ફરતાં-ફરતાં ભાવનગર, દીવ, સોમનાથ, દ્વારકા વગેરે થઇને માંડવીમાં 34મા દિવસે આવ્યા ત્યારે 3400 કિ.મી. પૂરા થઇ ગયા હતા. માંડવી આવ્યા ત્યારે લોકડાઉન શરૂ થઇ ગયું હતું. કોરોના પરાકાષ્ટાએ હતો ત્યારે મસ્કા ગામની સીમમાં શ્રી ધરણેશ્વર મહાદેવ મંદિરમાં સંજોગોવસાત અહીં આવ્યા ને રોકાઇ ગયા... અહીં મંદિરમાં ધૂણો છે. પારસી કોમ અગ્નિની પૂજા કરે છે. જેથી આ ધૂણાની સેવા એક મહિના કરી અને પ્રકૃતિપ્રેમી હોવાથી પ્રકૃતિ સાથે રહેવાનો આનંદ માણ્યો હતો. મહેશભાઇ ઇન્દુભાઇ જાની સાથે દોસ્તી બંધાઇ ગઇ. `સાઈકલ પર વિશ્વના પ્રવાસે જવાની પ્રેરણા ક્યાંથી મળી ?' પ્રશ્નના જવાબમાં ફિરોઝભાઇએ જણાવ્યું કે, બાળપણથી લગાવ હતો. એક ડોક્ટર સતત સાઈકલપ્રેમીઓને મળે, પ્રેરણા આપી અને ટોમ એલાઇનની `ટોમ્સ બાઇક ટ્રીપ' વેબસાઇટે પ્રેરણા આપી. એના પર ટોમ કહે છે કે માત્ર ત્રણ જ સ્ટેપમાં તમે વિશ્વ પ્રવાસી બની શકો છો. 1) સાઈકલ પ્રાપ્ત કરો, 2) ઓફિસ જાવ... તમારા બોસને કહી દો કે આવતીકાલથી હું રજામાં છું... 3) પેડલ મારવાનું ચાલુ કરી દ્યો...કેવી રહી તમારી પહેલી વિદેશયાત્રા ? તો તેઓ કહે છે, મારી પહેલી વિદેશયાત્રા તાઇવાનની હતી. ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ સારું છે. લોકો શિક્ષિત છે. કોઇ મુશ્કેલી ન પડી. ઇરાનમાં તમને તકલીફ પડી હશે ને ? ત્યાં તો યુદ્ધ જેવી પરિસ્થિતિ....? નિર્દોષ હાસ્ય વેરતાં ફિરોઝભાઇએ કહ્યું, તમે સારા રહો તો આખી દુનિયા સારી છે. માત્ર 2થી 3 ટકા લોકોને બાદ કરો તો બધા સારા માણસો છે. હા, વેજિટેરીયન ફૂડની બધેય તકલીફ રહે... અને હું શુદ્ધ વેજિટેરીયન છું. વ્યવસ્થા કરી લઉં છું... મને હજુ સુધી કોઈ ઠગ... લૂંટારા... મળ્યા નથી... કોઈ જીવજંતુએ પણ હેરાન કરેલા નથી. ઈરાનના લોકો લાગણીશીલ... જ્યાં જાઉં ત્યાં ઘેર લઈ જાય... બે-ત્રણ દિવસ સુધીની વ્યવસ્થા સુંદર રીતે કરી આપે... અને ભેટ-સોગાત પણ આપે, હા... ગરમી... ગરમી... સખત પાણીની તંગી. એકવાર હું પાંચ દિવસ નહાયો નહોતો. મનમાં પ્રાર્થના માતાજીને કરી. (ફિરોઝભાઈ પોંડિચેરીના મહર્ષિ અરવિંદ આશ્રમમાં રહેલા છે અને માતાજીએ એમને બાળપણમાં રમાડેલા છે). તરત જ મારા હિન્દી ઉચ્ચાર સાંભળીને એક ભાઈ આવ્યા અને કહ્યું કે તમે ભારતીય છો ? તો ચાલો... એક ભારતીયએ અહીં પીગ આર્યનની ફાઉન્ડરી અહીં શરૂ કરી છે, ત્યાં લઈ ગયા અને ખાવા પીવાની, રહેવા... નહાવાની વ્યવસ્થા કરી આપી. તમે પ્લાનિંગ કરીને નીકળો છો? થોડા ગંભીર થઈને એમને કહ્યું કે, પ્લાનિંગ કરનારા આપણે કોણ ? પ્લાનિંગ તો પરમાત્મા કરે છે. જો તમારામાં સાહસ છે તો આયોજન વગર પ્રવાસ કરો. મજાની સાથે રોમરાંચ પણ આવશે. વિશ્વયાત્રા માટે સાઈકલ જ કેમ? અન્ય વાહન કેમ નહીં? જવાબમાં કહ્યું કે, સાઈકલથી તમે પ્રકૃતિની નજીક રહી શકો છો એટલા અન્ય કોઈ વાહનથી નહીં. સૂર્યોદય, સૂર્યાસ્ત, પંખીઓના અવાજ, પવનનો સ્પર્શ એ સાઈકલથી જ અનુભવી શકો છો. સાઈકલ યાત્રામાં તમારો હેતુ, ઉદ્દેશ? જવાબમાં કહ્યું, ભાઈ હું વિશ્વશાંતિ કે પર્યાવરણ રક્ષા જેવા દંભમાં નથી માનતો. લોકો ખૂબ જ સમજદાર છે. મુંબઈથી માંડવી લગભગ 3400 કિ.મી.ની યાત્રામાં જનભાગીદારીઓ જોઈ. સાઈકલિંગ ઈઝ નોટ જસ્ટ આઉટવર્લ્ડ જર્ની... `ઈટ ઈસ એન ઈનર જર્ની ફોર મી'... સાઈકલિંગ એ માત્ર બાહરની યાત્રા નથી. મારા માટે અંતરની યાત્રા પણ છે. નવી ભૂમિ, નવા લોકો, પ્રકૃતિના રંગો બસ માણવા છે. કોઈ સંદેશ.  પ્રકૃતિ સાથે રહો. નવી પેઢી તો ખૂબ જ હોશિયાર અને સમજદાર છે. બધા ખુશ રહે અને રાખે. બસ નવી પેઢીને કોમ્પ્યુટર અને મોબાઈલમાંથી બહાર કાઢો. `પ્રકૃતિનો પરિચય આપો..' સાહસી બનાવો... ઓલ ધ બેસ્ટ પારસી બાવા. તમારી સફરના અનુભવો તમે ઈન્સ્ટાગ્રામ, યુ ટયુબ અને પુસ્તક સ્વરૂપે પણ આપશો એવી અપેક્ષા. - પેડલ પર પૃથ્વી પરિક્રમા : ઈ.સ. 1983માં લોકપ્રિય સામયિક `િચત્રલેખા'માં સાઈકલ પર 1923માં વિશ્વ પ્રવાસ કરનાર મુંબઈના 6 પારસી સાહસિકો... જાલ, રૂસ્તમ, કેકી, ગુસ્તાદ, નરીમાન, હકીમની સાઈકલ કથા લેખક મહેન્દ્ર દેસાઈએ હપ્તાવાર આલેખી હતી. વાચકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ હતી. ત્યારબાદ ચિત્રલેખાના તંત્રી હરકિશન મહેતાએ પુસ્તક સ્વરૂપે પ્રગટ કરવાનું કહ્યું, કારણ કે ઈ.સ. 19મી સદીના ત્રીજા દાયકામાં 1925 આસપાસ જ્યારે યાતાયાત અને સંદેશાવ્યવહાર નહીવત હતા. નામ માત્રની સગવડ હતી ત્યારે મુંબઈના 6 સાહસિકોની કથા શબ્દસ્થ થાય એ જરૂરી હતી, જેથી નવી પેઢી પ્રેરણા લેતી રહે. મહેન્દ્ર દેસાઈએ `પેડલ પર પૃથ્વી પરિક્રમા' પુસ્તક લખ્યું, જે ખૂબ જ લોકપ્રિય થયું. 1984, 2004, 2012માં ત્રણ આવૃત્તિ પ્રગટ થઈ. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer