કચ્છમાં 1 લાખ 43 હજાર હેકટરમાં બાગાયતી ખેતી

કચ્છમાં 1 લાખ 43 હજાર હેકટરમાં બાગાયતી ખેતી
ભુજ, તા. 10 : બાગાયત ખાતાના ચાર પાયાના વિચાર બાગાયતે ખેડૂતો માટે રજૂ કર્યા છે જેમાં બાગાયતી ખેતી કરો, ગામડાં સમૃધ્ધ બનાવો, યશસ્વી કારર્કિદી ઘડો અને તગડો નફો મેળવો આ ચારેય પાયાના પ્રથમ અક્ષરથી બને છે. ``બાગાયત''. આ ચારેય પાયાની બાબતોને કચ્છના બાગાયતી ખેડૂતો સાર્થક કરી રહયા છે. વર્ષ 2019-20 મુજબ કચ્છમાં 1 લાખ 43 હજાર હેકટરમાં ખેડૂતો બાગાયતી ખેતી કરી રહ્યા છે. 56 હજાર હેકટરમાં ફળઝાડ, 14 હજાર હેકટરમાં શાકભાજી અને 72 હજાર હેકટરમાં મસાલા પાક લેવાય છે. માહિતી ખાતાની યાદી અનુસાર આ વર્ષે અંદાજે 13 હજાર હેકટરમાં પ્રખ્યાત કચ્છી આંબા (કેરી) થયા છે. જેમાં 90 ટકા કેસર આંબા (કેરી) અને 10 ટકા અન્ય આંબા જેવા કે, ``આલ્ફાન્સો, આમ્રપાલી,  સોનપુરી, તોતાપુરી, દેશી આંબા (કેરી) ,ખેડોઇમાં જમ્બો કેસર વગેરેનો પાક હાલે મેથી જૂન માસ દરમ્યાન બજારમાં લોકો સુધી સ્વાદ અને સોડમ લઇ પહોંચે છે. મદદનીશ બાગાયત નિયામક  કે. પી. સોજીત્રા જણાવે છે કે, ``સ્વાદ ગુણવત્તાના પગલે કચ્છ કેસર કેરી વિશ્વ પ્રખ્યાત છે. આ વર્ષે તૌકતે વાવાઝોડાના પગલે 60 ટકા મેટ્રીક ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. જેના ભાવ ખેડૂતોને મળશે. ફળઝાડ વાવેતર વિસ્તાર, ગ્રીન હાઉસ, નેટ હાઉસ અને પેક હાઉસનો કચ્છના ખેડૂતો ભરપૂર લાભ લીધો છે. અમે વિવિધ સહાયો આપીએ છીએ. હાલે ખેડૂત આઇ પોર્ટલ ખુલ્લું હોઇ વિવિધ સહાયનો લાભ લો'' જિલ્લાના અંજાર તાલુકામાં ખેડોઈ, ખંભરા, નખત્રાણા તાલુકાના ખીરસરા, રોહા, વેરસલપર અને ભુજ તાલુકામાં રેલડી, વાવડી, આણંદપર, બીરાસર, તળાવળા અને દહીંસરા તેમજ માંડવી તાલુકાના ગઢશીશા, મોટી મઉ, નાની મઉ અને દેવપર ગામો આંબા (કેરી)ના પાક માટે પ્રખ્યાત છે. જેમાં ગઢશીશા વિસ્તાર એ કેસર આંબાનું પોકેટ (વાવેતર વિસ્તાર) કહેવાય છે. ગઢશીશા વિસ્તારના અને કેસર આંબાને પરદેશમાં અને હાલે મસ્કતમાં માર્કેટ ઉભું કરનાર અને ગુણવત્તાના મસ્કત સરકારના 286 માપદંડોથી કેસરને પ્રમાણિત કરી કચ્છી કેસરની આગવી શાખ ઉભી કરનાર પ્રયોગશીલ અને પ્રગતિશીલ ખેડૂત બટુકાસિંહ જાડેજાની વાત કચ્છથી અજાણી નથી. નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ અને રાજય સરકારની બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતર, ટીસ્યુકલ્ચર છોડથી ખારેક ખેતી વધારો, પેકીંગ મટેરિયલ્સ, કોલ્ડરૂમ વ્યવસ્થાની બે વાર, સબસિડીનો લાભ મેળવી ચૂકયા છે. હાલે ગઢશીશા વિસ્તારમાં મોટી મઉં ખાતે 250 એકર જમીનમાં ડ્રીપ ઈરિગેશન, પેક હાઉસ, સ્ટોરેજની સહાયથી આ પ્રયોગશીલ ખેડૂત મસ્કતની માર્કેટમાં કચ્છની કેરી ખવડાવી રહ્યા છે. આ ખેડૂતે 2004માં સૌ પ્રથમ કચ્છની કેસર વિદેશમાં લંડનમાં પહોંચાડી હતી. 2006માં સિંગાપોરમાં ટ્રાન્સપોર્ટ કરી હતી. જેની નોંધ લઇ હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તે સમયે  તેમને પ્રોત્સાહિત કર્યા હતા. 2006માં નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા સિંગાપોરમાં ગુજરાતના ખેડૂત પ્રતિનિધિ તરીકે હાજર રહી પ્રથમ આવ્યા હતા.આ ખેડૂત અન્ય ખેડૂતનો પ્રોત્સાહિત કરતાં કહે છે કે, ઓર્ગેનિક ખેતી કરો, રસાયણ મુકત જમીન કરો, સરકારી યોજનાના લાભ લો અને વૈજ્ઞાનિક આધુનિક પધ્ધતિનો ઉપયોગ કરો'ઘેર બેઠાં કૃષિ મહોત્સવ થકી સરકારે ખેડૂતોને સધ્ધર કરવા જમીનના સોઇલ ટેસ્ટ, વાતાવરણ, ઓર્ગેનિક ખેતી, આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પધ્ધતિથી કરવાના ઉપાયો બતાવ્યા છે. જેના પગલે ભણેલા ગણેલા યુવાનો પણ ખેતી તરફ વળ્યા છે. હાલે કચ્છમાંથી આંબા, ખારેક, પપૈયા, સ્ટ્રોબેરી, ડ્રેગનફ્રુટ વગેરેની મોટી માંગ અન્ય બજારોમાં છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer